પેપરલીક એ કોઈ એક રાજય કે કેન્દ્રની સમસ્યા નથી રાષ્ટ્રીય જવાબદારી : દોષીતોને જેલમાં નંખાયા છે : સખ્તમાં સખ્ત સજા કરવામાં આવશે : આંદોલનકારીઓને વડાપ્રધાનનો સંદેશ
નવી દિલ્હી, તા.21
દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના આંદોલન અને ગઈકાલની હજારો યુવાઓની સંસદ કૂચ પછી પણ હજુ આંદોલન યથાવત રહ્યું છે તે બાદ પ્રથમ વખત નીટ પેપર લીક અને આ આંદોલન અંગે મૌન તોડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીક મુદે રાજકારણ સહિત કરવા અપીલ કરી હતી.કહ્યું હતું કે સરકાર માટે વિદ્યાર્થીઓનું હિત સૌથી ઉપર છે. પેપર લીક મુદે સરકાર ગંભીર છે અને દોષીતોને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવશે. વડાપ્રધાને કહ્યું કે જે લોકો અત્યાર સુધીમાં દોષીતની ધરપકડ થઈ છે તેમને જેલમાં નાંખવામાં આવ્યા છે અને તેમને જે સજા હશે તે સૌથી સખ્ત હશે.
અમે તે માટે ઉચ્ચ ધારાશાીઓ પણ સાથ આપે તે અપીલ કરીએ છીએ અને પેપરલીકનું પાપ જેઓએ કર્યુ છે તેઓને સખ્ત સજા મળે તે જોવામાં આવશે. ગઈકાલની સંસદ કૂચ એ સરકાર માટે લાલબતી ધરી દીધી છે. શ્રી મોદીએ તેથી જ આજે એનડીએની સંસદીય દળની બેઠકમાં આ મુદે બોલવાનું પસંદ કર્યુ છે.
તેઓએ જણાવ્યું કે, પેપર લીક થાય નહી તે માટે ખૂબ જ આકરા પગલા ઉઠાવાયા છે અને પેપર લીક એ ફકત એક રાજય કે ફકત કેન્દ્રનો જ મામલો નથી. દેશના દરેક રાજયોમાં પેપર લીક થયા છે અને જેઓએ આ કૃત્ય કર્યુ છે તેને સજા આપવા માટે સૌએ સાથે આવવું જોઈએ. શ્રી મોદીએ કહ્યું કે તેમાં પક્ષીય રાજનીતિને કોઈ સ્થાન નથી.યુવાઓના ભવિષ્ય અંગે કોઈ સમજુતી નહી કરાય અને પેપર લીક રોકવુ એ રાષ્ટ્રીય જવાબદારી છે.
એનડીએની આ બેઠકને મંગલમિલન નામ અપાયું હતું જેમાં વડાપ્રધાને સંબોધન કરતા જણાવ્યું કે બાળકોને ભડકાવવાની જરૂર નથી તેમને સાચો માર્ગ દર્શાવવો જરૂરી છે.
શ્રી મોદીએ કહ્યું કે કોઈપણ વિદ્યાર્થીનું ભવિષ્ય પ્રભાવિત ન થાય તે માટે સરકાર પુરી ગંભીરતાથી કામ કરી રહી છે. દિલ્હીમાં આ રીતે જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં વડાપ્રધાને પાંચ મીનીટ સુધી પેપર લીક પર ચર્ચા કરી. આ મુદે સંસદમાં પણ ધમાલ યથાવત રહી છે.
આંદોલનકારીઓ સામે FIR શરૂ : ધરપકડનો દૌર ચલાવાશે
સંસદ કૂચ સમયે હિંસામાં 10 આઈપીએસ સહિત 118 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા
નવી દિલ્હીઃ
ગઈકાલની કોકરોચ જનતા પાર્ટીથી સંસદભવન ભણી કૂચમાં હવે દિલ્હી પોલીસે વિવિધ પોલીસ મથકોમાં આંદોલનકારીઓ સામે એફઆઈઆર નોંધવાનું શરૂ કર્યુ છે. કોનોટ પ્લેસ પોલીસ ચોકીમાં આ અંગે અજાણ્યા લોકો સામે હિંસાની ફરિયાદ નોંધી છે.
પોલીસે દાવો કર્યો છે કે એક આઈપીએસ સહિત 118 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. દિલ્હી પોલીસના વડા અનુરાગ કુમારે હોસ્પીટલ જઈને ઘાયલ અધિકારીઓ કર્મચારીઓની મુલાકાત લીધી હતી.
કુલ 10 આઈપીએસ અધિકારી ઈજાગ્રસ્ત બન્યા છે અને હવે પોલીસે તેમાં અલગ અલગ પોલીસ થાણામાં એફઆઈ નોંધી આંદોલનકારીઓની ઓળખ નિશ્ચિત કરી ધરપકડનો દૌર શરૂ કરશે. પોલીસે તેમના વાહનોમાં તોડફોડ તથા પોલીસ જવાનો પર પથ્થરમારા સહિતની ફરિયાદો નોંધી છે.
