અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં બે અલગ-અલગ જગ્યાએ દીપડો દેખાતા ભારે દહેશતનો માહોલ સર્જાયો છે. ઘુમા વિસ્તાર બાદ હવે ઝુંડાલ અને ચાંદખેડા ગરનાળા નજીક દીપડો દેખાયો હોવાની ચર્ચાએ જોર પકડતાં સ્થાનિક રહીશોમાં ભય વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, ઘુમા વિસ્તારમાં દીપડાની અવરજવર બાદ અંદાજે 24 કિલોમીટર દૂર આવેલા ઝુંડાલ અને એસ.પી.રિંગ રોડ આસપાસના વિસ્તારમાં દીપડાની એન્ટ્રી થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગની ટીમો તુરંત હરકતમાં આવી ગઈ છે અને સંબંધિત વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે, ઝુંડાલ અને ચાંદખેડા વિસ્તારમાં દીપડો હોવાની બાબતે વન વિભાગ દ્વારા હજુ સુધી અધિકૃત રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. આવામાં આપણે કેટલાક સાવચેતીના પગલા વિશે જોઇશું.
દીપડો અચાનક સામે આવી જાય તો શું કરવું?
શાંત રહો અને ઊભા રહો: અચાનક ભાગવાનો પ્રયાસ ન કરો. તમે ભાગશો તો દીપડો તમને તેનો શિકાર સમજીને પાછળ દોડશે. ખાસ કરીને, પીઠ ફેરવીને ભાગવું નહીં, શાંત રહી ધીમે-ધીમે પાછા ડગલા ભરો.
આંખોમાં આંખો પરોવીને ન જુઓ: દીપડાની આંખોમાં સીધું જોવું તેને પડકાર જેવું લાગે છે. પરંતુ તેની તરફથી નજર પણ ન હટાવો અને ધીમે-ધીમે પાછળ હટો.
પોતાનું કદ મોટું બતાવો: તમારા બંને હાથ ઉપર કરો, જેકેટ કે શાલ હોય તો તેને ઊંચી કરીને ફેલાવો. આનાથી દીપડાને લાગશે કે તમે તેનાથી મોટા અને શક્તિશાળી છો.
મોટો અવાજ કરો:બૂમો પાડો, તાળીઓ પાડો કે નજીકમાં કોઈ વાસણ/સાધન હોય તો તેને ખખડાવો. અચાનક થતા મોટા અવાજથી દીપડો ગભરાઈને ભાગી જાય છે.
બાળકોને સુરક્ષિત કરો:જો તમારી સાથે બાળકો હોય, તો તેમને તરત જ ઊંચકી લો અથવા તમારી પાછળ કરી દો જેથી તેઓ ગભરાઈને ભાગે નહીં.
દીપડાના હુમલાથી બચવા માટેની દૈનિક સાવચેતીઓ
સાંજના અને વહેલી સવારના સમયે સાવચેતી:દીપડો સાંજના અંધારાથી લઈને વહેલી સવાર સુધી સૌથી વધુ સક્રિય હોય છે. આ સમયે ખેતરે જવાનું કે એકલા બહાર નીકળવાનું ટાળો.
અંધારામાં લાઈટ સાથે રાખો, અવાજ કરો: રાત્રે બહાર નીકળતી વખતે હાથમાં મોટી ટોર્ચ/ફ્લેશલાઈટ રાખો અને મોબાઈલ પર ગીતો વગાડો અથવા વાત કરતા-કરતા ચાલો જેથી દીપડાને માનવ હાજરીની ખબર પડી જાય.
ઢોર-ઢાંખર અને પાલતુ પ્રાણીઓની સુરક્ષા: તમારા પાલતુ પ્રાણીઓ (કૂતરા, બકરાં, ગાય-ભેંસ)ને રાત્રે ખુલ્લામાં ન બાંધો. તેમને મજબૂત વાંસ કે જાળીવાળા બંધ કોઠાર/કોઢમાં પૂરો.
ઘર/ખેતરની આસપાસ ઝાડી-ઝાંખરા ન રાખવા: દીપડો છુપાઈને હુમલો કરે છે. તેથી ઘર કે સીમની આસપાસની ઝાડીઓ નિયમિત કાપીને સાફ રાખો જેથી તેને લૂપાવાનો મોકો ન મળે.
ખુલ્લામાં શૌચ ન જવું:શૌચાલયનો જ ઉપયોગ કરો. દીપડો નીચે બેઠેલી કે વળાયેલી અવસ્થામાં રહેલા માણસને નાનું પ્રાણી સમજીને હુમલો કરી શકે છે.
જો દીપડો દેખાય તો શું ન કરવું?
દીપડાને ઘેરવાનો કે તેનો પીછો કરવાનો પ્રયાસ ક્યારેય ન કરો.
જો દીપડો ઝાડ પર કે કોઈ જગ્યાએ ભરાઈ ગયો હોય તો તેને જોવા માટે ભીડ ભેગી ન કરો, ભીડના અવાજથી ગભરાઈને તે વધુ આક્રમક બની શકે છે.
