વલસાડ: તિથલ દરિયા કિનારે દારૂની બોટલો તણાઈ આવતા શોધવા માટે પડાપડી

Spread the love

વલસાડમાં આવેલા ભારે પૂર બાદ તિથલનો દરિયાકિનારો એક અનોખી ઘટનાને કારણે ચર્ચામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વેળા પણ દરિયા કિનારે કાંપ, કચરો અને મોટી સંખ્યામાં લાકડાની સાથે દારૂની બોટલો પણ તણાઈ આવતાં લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. કેટલાક લોકો દારૂની બોટલો શોધવા ઉમટી પડ્યા હતા.

દમણના દરિયામાંથી તણાઈને બોટલો તિથલ સુધી પહોંચી હોવાની શક્યતા વલસાડમાં પૂરની સ્થિતિ બાદ તિથલના દરિયા કિનારે સેંકડો ટન કચરો તણાઈ આવ્યો હતો. પૂર બાદ કિનારે તણાઈ આવેલા લાકડાં વીણવા પહોંચેલી મહિલાઓને કચરા અને લાકડાં વચ્ચેથી સૌથી પહેલાં દારૂની બોટલો મળી આવી હતી. આ વાત આસપાસના વિસ્તારમાં પ્રસરી જતાં જ થોડા સમયમાં મોટી સંખ્યામાં લોકો દરિયાકિનારે દારૂની બોટલો શોધવા ઉમટી પડ્યા હતા.

સામાન્ય દિવસોમાં દરિયામાં માછલી પકડવા આવતા લોકોની નજર આ તણાઈ આવતી બોટલો પર મંડાયેલી હતી. કેટલાક લોકોને એક કરતાં વધુ બોટલો મળતાં કિનારે દારૂ પકડવાની હોડ જામી હોય તેવાં દ્રશ્યો સર્જાયા હતા.

 

આ બોટલો દમણ તરફના દરિયામાંથી તણાઈને પ્રવાહ અને મોજાં સાથે તિથલ કિનારે પહોંચી હોવાની શક્યતા છે. દમણ વિસ્તારમાં પણ પૂર આવવાથી અનેક બાર અને વાઈનશોપમાં પાણી ફરી વળતા દારૂનો જથ્થો દરિયામાં તણાઈને તિથલ સુધી પહોંચી ગયો હોવાની શક્યતા દેખાઈ રહી છે. જો કે, દારૂની બોટલો ખરેખર ક્યાંથી આવી, કોની હતી અને કયા સંજોગોમાં પાણીમાં પહોંચી? તે અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પૂરની તારાજી વચ્ચે તિથલ કિનારે સર્જાયેલી આ ઘટનાથી લોકોમાં કુતૂહલતા વ્યાપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *