દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યાનો સમય દેશના કરોડો લોકો માટે ખાસ હોય છે. તેનું કારણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’. આજે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે સીધો સંવાદ કર્યો. આ વખતે મન કી બાત કાર્યક્રમનો 136મો એપિસોડ પ્રસારિત થયો. પીએમ મોદીએ આજે કારગિલ દિવસે શહીદોને યાદ કર્યાછેલ્લા કેટલાક વર્ષોમાં આ મંચ માત્ર સરકારી યોજનાઓની માહિતી આપવા સુધી મર્યાદિત નથી રહ્યું, પરંતુ સમાજ, શિક્ષણ, સંસ્કૃતિ, પર્યાવરણ અને દેશભરના પ્રેરણાદાયી લોકોની કહાનીઓને પણ રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાનું માધ્યમ બન્યું છે. એજ કારણ છે કે દરેક નવા એપિસોડ પહેલાં લોકોમાં આ ઉત્સુકતા રહે છે કે આ વખતે PM મોદી કયા મુદ્દાઓનો ઉલ્લેખ કરશે અને દેશને શું નવો સંદેશ આપશે.
PM નરેન્દ્ર મોદીએ પોતાના આ રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં આજે કારગિલ વિજય દિવસે દેશના વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે કહ્યું કે, આપણા જીવનમાં કેટલીક તારીખો એવી હોય છે, જેને યાદ રાખવા માટે કૅલેન્ડર જોવાની જરૂર પડતી નથી અને 26 જુલાઈ એવી જ એક તારીખ છે. PM મોદીએ કહ્યું કે, આજે આખો દેશ કારગિલ વિજય દિવસ મનાવી રહ્યો છે અને આ દિવસ ભારતીય સૈનિકોના અદમ્ય સાહસ, વીરતા, બલિદાન અને માતૃભૂમિ પ્રત્યેના તેમના સમર્પણનું પ્રતીક છે. આખો દેશ કારગિલના યોદ્ધાઓનો હંમેશા ઋણી રહેશે.
PM મોદીએ દેશના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોના કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં ભારતની રક્ષા ક્ષેત્રમાં વધતી આત્મનિર્ભરતાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે હાલમાં જ ભારતીય નૌસેનામાં INS મહેન્દ્રગિરિને સામેલ કરવામાં આવ્યું છે, જેને સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યું છે. આ અત્યાધુનિક યુદ્ધજહાજમાં 75 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે, જે આત્મનિર્ભર ભારતની વધતી શક્તિનું પ્રતીક છે. PM મોદીએ જણાવ્યું કે, આ જ મહિનામાં DRDOએ પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટનું સફળ પરીક્ષણ કર્યું, જ્યારે થોડા દિવસ પહેલાં કુશા મિસાઇલનું પણ સફળ પરીક્ષણ થયું. તેમણે આ સિદ્ધિઓનો શ્રેય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોના સામૂહિક પરિશ્રમને આપ્યો.PM નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું કે, આજે ભારત રક્ષા ઉત્પાદન, રક્ષા નિર્યાત અને મિત્ર દેશો સાથે રણનીતિક સહયોગના ક્ષેત્રમાં સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, આ જ મહિનાની શરૂઆતમાં ઇન્ડોનેશિયા યાત્રા દરમિયાન બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલો સંબંધિત એક મોટા કરાર પર સહમતિ બની. તેમણે કહ્યું કે ભારતીય રક્ષા સાધનો, ટેક્નોલોજી અને સ્વદેશી સૈન્ય ક્ષમતા પર વિશ્વનો વિશ્વાસ સતત વધી રહ્યો છે, જે આત્મનિર્ભર ભારત અને દેશના રક્ષા ક્ષેત્રની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રમાણ છે.
જળ સંરક્ષણને જનભાગીદારીનું સૌથી મોટું અભિયાન ગણાવ્યું
PM નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં જળ સંરક્ષણને જનભાગીદારીનું સૌથી મોટું અભિયાન ગણાવ્યું. તેમણે કહ્યું કે, 4 જુલાઈથી દેશભરમાં એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના હેઠળ વર્ષા જળ સંચય, ભૂજળ રીચાર્જ, જૂના જળ સ્ત્રોતોના પુનર્જીવન અને મોટા પાયે વૃક્ષારોપણને નવી ગતિ આપવામાં આવી રહી છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે ગામો, શહેરો, પંચાયતો અને સામાજિક સંસ્થાઓએ આ અભિયાનમાં વધુમાં વધુ ભાગ લીધો છે. તેમણે દેશવાસીઓને અપીલ કરી કે તેઓ પોતાની આસપાસ કોઈ એક તળાવ કે કૂવાના સંરક્ષણની જવાબદારી લે અને પાણીનું એક-એક ટીપું બચાવવાનો સંકલ્પ કરે, કારણ કે આજે બચાવેલું પાણી આવનારી પેઢીઓની સૌથી મોટી મૂડી બનશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કર્યા વખાણ
PM મોદીએ આ દરમિયાન રમતગમતમાં ભારતીય પ્રતિભાઓની સિદ્ધિઓ અંગે કહ્યું કે, આપણા યુવાનોએ તાજેતરના દિવસોમાં રમતગમતમાં ઘણી શાનદાર સિદ્ધિઓ હાંસલ કરી છે. પીવી સિન્ધુ બેડમિન્ટનમાં જાપાન ઓપનનો ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય બની છે. તેમની આ સિદ્ધિ પર આખા દેશને ગર્વ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ લંડનમાં લોર્ડ્સ સ્ટેડિયમમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ જીતી છે. આ એક ઐતિહાસિક જીત છે. મને કેરળમાં એર્ણાકુલમના સાઉથ ચિત્તૂરમાં રમતગમતના એક પ્રયાસ વિશે જાણવા મળ્યું છે. ત્યાંના એક સ્કૂલમાં સંસ્કૃત ક્લબ છે. અહીંના શિક્ષક અભિલાષજી ખૂબ જ અનોખી રીતે સંસ્કૃતને લોકપ્રિય બનાવી રહ્યા છે. આ પ્રોજેક્ટને ‘અક્ષરકંદુક’ નામ આપવામાં આવ્યું છે. તેમાં સંસ્કૃતના અક્ષરોને ફૂટબોલમાં વપરાતા શબ્દો સાથે જોડીને સરળ રીતે સમજાવવામાં આવે છે.
વિક્રમ-1ના સફળ લોન્ચિગને PM મોદીએ યાદ કર્યું
પીએમ મોદીએ આગળ કહ્યું કે, થોડા દિવસ અગાઉ વિક્રમ-1ના સફળ લોન્ચિંગે દેશને ઘણું ગૌરવ અપાવ્યું છે. આપણે બધા ભારતીયો અંતરિક્ષ ક્ષેત્રના આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. આ ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસાવવામાં આવેલું ભારતનું પ્રથમ રોકેટ છે. આપણા યુવા ઇનોવેટર્સે તે કરી બતાવ્યું, જેની કલ્પના પણ મુશ્કેલ હતી. તેમણે અદ્ભુત કૌશલ્ય, જુસ્સો અને ધીરજ બતાવી. પીએમ મોદીએ કહ્યું કે, ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં આપણા બધા પાંચ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ જીત્યા અને ભારતે પ્રથમ રેન્ક હાંસલ કરી. છેલ્લા એક દાયકામાં દરેક ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં આપણા દેશના વિદ્યાર્થીઓએ ગોલ્ડ અથવા સિલ્વર મેડલ ચોક્કસ જીત્યા છે. કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં પણ આપણા બધા વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ જીત્યા. આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. બાયોલોજી ઓલિમ્પિયાડમાં પણ આપણા બધા વિદ્યાર્થીઓએ મેડલ જીત્યા, જેમાં એક ગોલ્ડ મેડલ પણ સામેલ છે. તેમજ, ગણિત ઓલિમ્પિયાડમાં આપણા વિદ્યાર્થીઓએ બે સુવર્ણ અને ચાર રજત પદકો પોતાના નામે કર્યા.
