ગુજરાતમાં મેઘરાજા હજુ પણ શાંત થવાના મૂડમાં નથી. અત્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે એક મોટા સમાચાર આપ્યા છે. બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી 30 જુલાઈથી રાજ્યમાં ફરી એકવાર વરસાદ ભુક્કા બોલાવશે. આ ખતરાને જોતા આગામી 2 દિવસ માટે રાજ્યમાં ‘યલો એલર્ટ’ જાહેર કરી દેવામાં આવ્યું છે.આ નવી સિસ્ટમને પગલે 30 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. બીજી તરફ, વાહનચાલકો માટે રાહતના સમાચાર એ છે કે ભારે પૂરને કારણે બંધ કરવામાં આવેલો રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે હવે વાહનવ્યવહાર માટે ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે.
30 જુલાઈ અને 1 ઓગસ્ટે ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં બની રહેલી નવી સિસ્ટમ ગુજરાતમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધારશે. આ સિસ્ટમની અસર હેઠળ:
30 જુલાઈ: છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની આગાહી છે.
1 ઓગસ્ટ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે.
અત્યાર સુધીમાં (26 જુલાઈની સ્થિતિએ) રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ સામાન્ય કરતાં 12% વધુ નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં સામાન્ય કરતાં 45% વધુ વરસાદ પડી ચૂક્યો છે.વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો, રવિવારે રાજ્યના 64 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ અમીરગઢ અને કપરાડામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. જોકે, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 32 જિલ્લાના 204 તાલુકામાં સરેરાશ 14.96 મિમી (0.59 ઇંચ) વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 5.51 ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારે 6 વાગ્યા સુધીના આંકડા મુજબ, રાજ્યમાં ચાલુ સીઝનનો કુલ સરેરાશ વરસાદ 53.67% (19.21 ઇંચ) નોંધાઈ ચૂક્યો છે.
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા
કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો?
રાજ્યમાં ઝોન વાઈઝ નોંધાયેલા વરસાદની ટકાવારી નીચે મુજબ છે:
દક્ષિણ ગુજરાત: 77.42% (સૌથી વધુ)
પૂર્વ-મધ્ય ગુજરાત: 45.22%
સૌરાષ્ટ્ર: 43.50%
ઉત્તર ગુજરાત: 39.53%
કચ્છ: 18.89% (સૌથી ઓછો)
ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ
જળાશયોમાં નવા નીર: નર્મદા ડેમ 69.25% ભરાયો
સતત વરસી રહેલા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પણ નવા પાણીની બમ્પર આવક થઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર (નર્મદા ડેમ) તેની કુલ ક્ષમતાના 69.25% ભરાઈ ગયો છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં પણ કુલ 45.17% પાણીનો સંગ્રહ થયો છે.
100% પૂર્ણ: 14 ડેમ પૂરેપૂરા ભરાઈને છલકાઈ ગયા છે.
70% થી 100%: 25 ડેમ ભરાઈ ચૂક્યા છે.
પાણીની આ ભારે આવકને જોતા સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા 21 ડેમ માટે ‘હાઈ એલર્ટ’, 4 ડેમ માટે ‘એલર્ટ’ અને 14 ડેમ માટે ‘વોર્નિંગ’ જારી કરવામાં આવી છે.

