અન્ય જિલ્લામાં પગાર સમયસર તો ભાવનગરમાં કેમ વિલંબ..? 500 જેટલા કોન્ટ્રાક્ટ આધારિત આરોગ્ય કર્મીઓ આર્થિક સંકટમાં, નોંધાવ્યો ઉગ્ર વિરોધ

Spread the love

અલ્પેશ ડાભી, ભાવનગરભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓના પગારને લઈને ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. નેશનલ હેલ્થ મિશન હેઠળ 11 માસના કરાર પર ફરજ બજાવતા કર્મચારીઓએ સમયસર પગાર ચૂકવવાની માંગ સાથે રજૂઆત કરી છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે છેલ્લા છ મહિનાથી પગારની પ્રક્રિયા અનિયમિત બની છે અને જૂન મહિનાનો પગાર પણ હજુ સુધી ચૂકવાયો નથી.જેના કારણે EMI બાઉન્સ થવા સહિતની આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગમાં આશરે 400થી 500 જેટલા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ વિવિધ જવાબદારીઓ નિભાવી રહ્યા છે. જેમાં AMM, RBSK મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, સ્ટાફ નર્સ, ANM, MPHW, COC, ઓફિસ સ્ટાફ અને આશા વર્કર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ, જૂન 2026ના પગારની ફાઈલ 4 જુલાઈના રોજ રજૂ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી પગાર ચૂકવાયો નથી. સમયસર પગાર નહીં મળવાથી બેન્ક લોનના EMI બાઉન્સ થવા ઉપરાંત આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કર્મચારીઓનો આક્ષેપ છે કે અન્ય જિલ્લાઓમાં સમયસર પગાર ચૂકવવામાં આવે છે, તો ભાવનગરમાં જ પગારની પ્રક્રિયામાં વિલંબ કેમ થઈ રહ્યો છે? હવે કર્મચારીઓની રજૂઆત બાદ આરોગ્ય વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને જૂન મહિનાનો બાકી પગાર ક્યારે ચૂકવાય છે, તે જોવું રહ્યું…? કર્મચારીઓએ દર મહિને 1થી 5 તારીખ દરમિયાન નિયમિત પગાર ચૂકવવાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *