સ્વચ્છ અને લગભગ અખૂટ ઊર્જાના ભવિષ્ય તરફ વિશ્વ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આ દોડમાં હવે ચીને એક મોટી સિદ્ધિનો દાવો કર્યો છે. ચીને તેના મહત્ત્વાકાંક્ષી ‘આર્ટિફિશિયલ સન’ (Artificial Sun) પ્રોજેક્ટ માટે દુનિયાનું સૌથી મોટું સુપરકન્ડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટ સફળતાપૂર્વક તૈયાર કરીને તેનું પરીક્ષણ પૂર્ણ કર્યું છે.વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જો આ ટેક્નોલોજી સફળ થાય તો ભવિષ્યમાં કોલસા, પેટ્રોલિયમ અને અન્ય પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા મોટા પ્રમાણમાં ઘટી શકે છે. ચાઇનીઝ એકેડમી ઑફ સાયન્સિસ હેઠળ કાર્યરત ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાઝ્મા ફિઝિક્સ દ્વારા વિકસાવવામાં આવેલી આ ટેક્નોલોજી ન્યુક્લિયર ફ્યુઝન પર આધારિત છે. ચીનનું લક્ષ્ય વર્ષ 2030 સુધી આ ટેક્નોલોજી દ્વારા વીજ ઉત્પાદન શરૂ કરવાનો છે. જોકે, વ્યાવસાયિક સ્તરે તેનો ઉપયોગ શરૂ થાય તે પહેલાં હજુ અનેક તકનીકી પડકારો પાર કરવા બાકી છે.
શું છે ચીનનો ‘આર્ટિફિશિયલ સન’ પ્રોજેક્ટ?
‘આર્ટિફિશિયલ સન’ એટલે કે કૃત્રિમ સૂર્ય વાસ્તવમાં એક ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર છે. તેમાં સૂર્યની અંદર જે પ્રક્રિયા દ્વારા ઊર્જા ઉત્પન્ન થાય છે, તે જ પ્રક્રિયાને પૃથ્વી પર નિયંત્રિત રીતે પુનઃસર્જિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં હાઇડ્રોજનના પરમાણુઓને આશરે 10 કરોડ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને ભેગા કરવામાં આવે છે. પરિણામે વિશાળ પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થાય છે. મહત્વની વાત એ છે કે, આ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ જેવા ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન થતું નથી, તેથી તેને ભવિષ્યની સ્વચ્છ ઊર્જા તરીકે જોવામાં આવે છે.
