રાજકોટમાં આત્મહત્યા અને આપઘાતના પ્રયાસની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરમાં પાંચ દિવસમાં સામુહિક આપઘાતની ત્રણ ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી જવા પામી છે.
સાધુવાસવાણી રોડ પર અજંતા પાર્કમાં આર્થિક સંકળામણથી કંટાળી પીડબલ્યુડીના નિવૃત્ત કર્મચારીએ પત્ની અને પુત્ર સાથે સજોડે ઝેર પી આત્મહત્યા કર્યાની ઘટના વિસરાઈ નથી, ત્યાં ન્યારા ગામ નજીક આર્થિક ભીંસથી કંટાળી માતા-પુત્રએ સજોડે એસીડ પી ખાણમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં જામનગર રોડ પર આવેલી મારૂતિનગર સોસાયટીમાં રહેતાં જયાબેન મનસુખભાઈ નકુમ (ઉ.50) અને તેમના પુત્ર નિલેશભાઈ નકુમ (ઉ.27) ન્યારા ગામ પાસે આવેલી એક ખાણમાં બેભાન હાલતમાં પડયા હોવાની જાણ થતાં ગ્રામજનોએ બન્નેને 108 મારફતે તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં માતા-પુત્રની સારવાર કારગત નિવડે તે પૂર્વે ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ થતાં પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી માતા-પુત્રના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયા હતાં.
પ્રાથમિક પુછપરછમાં મૃતક નિલેશ નકુમના પિતા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. નિલેશ નકુમ બે ભાઈમાં નાનો હતો અને પલમ્બરનું કામ કરતો હતો. સગા સંબંધી પાસેથી ઉછીના રૂપિયા લીધા હતાં. જે રૂપિયાની ચિંતામાં માતા-પુત્ર સવારના ઘરેથી નીકળી ગયા બાદ ન્યારા ગામ પાસે પહોંચ્યા હતાં અને જ્યાં આર્થિક ભીંસથી કંટાળી માતા-પુત્રએ સજોડે એસિડ પી ખાણમાં ઝંપલાવી આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
