રાજસ્થાનના ઝુઝુનમાં 21 વર્ષના તરૂણ નાયક નામના યુવાનનું ર0 જુલાઇએ એક રોડ-અકસ્માતમાં મૃત્યુ થયું. આ ભીષણ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો પરંતુ એમાંથી એરબેગ ખુલી નહોતી. જો એરબેગ હોત તો કદાચ યુવાનનું બચી જવું સંભવ હતું.
તરૂણ નાયક રેન્ટલ કારનો વ્યવસાય કરતો હતો અને તે ચાર દોસ્તો સાથે સીકરથી ઝુંઝુન પાછો થઇ રહ્યો હતો. એ દરમ્યાન સ્કોર્પિયો અનિયંત્રિત થઇને વીજળીના થાંભલા સાથે ટકરાઇને પલટી ખાઇ ગઇ હતી.તરૂણનું એમાં મૃત્યુ થયું અને એ ગાડીમાં સવાર અન્ય ચાર લોકોને મામુલી ઇજા થઇ હતી. તરૂણે સીટબેલ્ટ લગાવેલો હતો, પરંતુ એકસીડન્ટ વખતે એરબેગ ન ખુલતા તેનું મૃત્યુ થયું હતું.
દીકરાના મૃત્યુ પછી પરિવારજનોએ સ્કોર્પિયો કારની ખરાબ એરબેગ્સ પર ગુસ્સો કાઢયો હતો. પરિવારજનો શહેરના મહિન્દ્ર મોટર્સના શોરૂમ પર એ કારને લઇ ગયા હતા અને ક્રેનથી ર0 ફુટ ઉંચે લટકાવીને પ્રદર્શન કર્યુ હતું. આ કાર પર લાલ રંગથી લખ્યું હતું. ‘ર0 લાખ કા ડિબ્બા’, ‘મૌત કા સામાન’ અને ‘ખતરા’.
