Anandiben Patel UP Governor: ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નામે અનોખો રેકોર્ડ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે પૂર્ણ કર્યા 7 વર્ષ

Spread the love

Anandiben Patel UP Governor: આનંદીબેન પટેલે બનાવ્યો નવો ઇતિહાસ, ઉત્તર પ્રદેશના સૌથી લાંબા કાર્યકાળ ધરાવતા રાજ્યપાલ બન્યા

 

Anandiben Patel UP Governor: ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહેલા આનંદીબેન પટેલનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ ઘણો ટૂંકો રહ્યો હતો. તેઓ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ માત્ર બે વર્ષ અને 77 દિવસ સુધી જ મુખ્યમંત્રી તરીકે કાર્ય કરી શક્યા હતા.ત્યારબાદ તેમને રાજીનામું આપવું પડ્યું હતું. જોકે, આનંદીબેન પટેલે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 29 જુલાઈએ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે સાત વર્ષ પૂર્ણ કર્યા છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી કોઈપણ રાજ્યપાલને આટલો લાંબો કાર્યકાળ મળ્યો નથી.

 

ઉત્તર પ્રદેશમાં સૌથી લાંબો કાર્યકાળ

 

જ્યારે આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા હતા, ત્યારે તેઓ આ પદ પર બિરાજમાન થનારા પ્રથમ મહિલા હતા. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી 25 રાજ્યપાલ રહી ચૂક્યા છે, પરંતુ આનંદીબેન પટેલ એકમાત્ર પૂર્ણકાલીન મહિલા રાજ્યપાલ છે. આનંદીબેન જ્યારે રાજકારણમાં આવ્યા ત્યારે તેઓ એક શાળામાં શિક્ષિકા હતા. ત્યારબાદ તેઓ મુખ્ય શિક્ષક બન્યા અને પછી ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય, મંત્રી અને ત્યારબાદ મુખ્યમંત્રી બન્યા. 21 નવેમ્બર, 1941ના રોજ જન્મેલા આનંદીબેન પટેલની ઉંમર હાલમાં 84 વર્ષ છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં ઉંમરમાં મોટા છે. તેઓ સૌપ્રથમ રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. ત્યારબાદ તેઓ પાટણ અને ઘાટલોડિયા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

 

આનંદીબેન પટેલ 2018માં રાજ્યપાલ બન્યા હતા

 

આનંદીબેન પટેલ પ્રથમ વખત 19 જાન્યુઆરી, 2018ના રોજ મધ્ય પ્રદેશના રાજ્યપાલ બન્યા હતા.

 

19 જાન્યુઆરી, 2018થી 28 જુલાઈ, 2019 સુધી તેમણે મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી અને આ સમયગાળા દરમિયાન છત્તીસગઢનો વધારાનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. ત્યારબાદ 29 જુલાઈ, 2019ના રોજ તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા હતા.

 

આનંદીબેન પટેલ પોતાના કડક શિસ્તબદ્ધ સ્વભાવ અને સમયપાલન માટે જાણીતા છે.

 

ગુજરાતની જાણીતી કન્યા કેળવણી યોજના માટે તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં બાળાઓના શિક્ષણનું પ્રમાણ વધારવા માટે કડકડતી ગરમીમાં ગામડાઓની મુલાકાત લીધી હતી.

 

રાજકારણમાં પ્રવેશ કરતા પહેલાં, શાળાની શિક્ષિકા તરીકે તેમણે બહાદુરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે નર્મદા નદીમાં કૂદી બે યુવતીઓનો જીવ બચાવ્યો હતો.

 

સૌથી લાંબા સમય સુધી રાજ્યપાલ કોણ રહ્યા?

 

ભારતમાં સૌથી લાંબા સમય સુધી રાજ્યપાલ તરીકે સેવા આપવાનો રેકોર્ડ ઈ. એસ. એલ. નરસિમ્હનના નામે છે. તેઓ કુલ 12 વર્ષ સુધી રાજ્યપાલ રહ્યા હતા.

 

એમ. એમ. જેકબ મેઘાલયના રાજ્યપાલ તરીકે 11 વર્ષ અને 293 દિવસ (1995થી 2007) સુધી રહ્યા હતા. એક જ રાજ્યમાં સતત સૌથી લાંબા સમય સુધી રાજ્યપાલ તરીકે સેવા આપવાનો આ રેકોર્ડ છે.

 

પદ્મજા નાયડુ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે 10 વર્ષ અને 209 દિવસ (1956થી 1967) સુધી રહ્યા હતા.

 

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ લગભગ 11 વર્ષથી રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ઓગસ્ટ 2015માં સૌપ્રથમ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બન્યા હતા. ત્યારબાદ 22 જુલાઈ, 2019ના રોજ ગુજરાતના રાજ્યપાલ બન્યા હતા.

 

વડાપ્રધાન મોદીનો છે વિશેષ વિશ્વાસ

 

આનંદીબેન પટેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ નેતાઓમાં ગણવામાં આવે છે. આનંદીબેન પટેલને બે સંતાનો છે. તેમના પુત્રનું નામ સંજય પટેલ છે અને પુત્રીનું નામ અનાર પટેલ છે. સંજય પટેલ વ્યવસાયી છે. જ્યારે અનાર પટેલ વ્યવસાયી હોવા ઉપરાંત સામાજિક કાર્યકર પણ છે.

 

ગત વર્ષે જ્યારે ખોડલધામમાં તેમને મહત્વપૂર્ણ જવાબદારી મળી હતી, ત્યારે એવી ચર્ચા થઈ હતી કે ગુજરાતમાં તેઓ પોતાની માતાની રાજકીય વારસાગાથાને આગળ વધારશે. અનાર પટેલ ઘણા વર્ષોથી સામાજિક ક્ષેત્રમાં સક્રિય છે અને વિવિધ સામાજિક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરતા રહ્યા છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને હજુ એક વર્ષથી થોડો વધુ સમય બાકી હોવાથી સૌની નજર હવે અનાર પટેલ પર પણ છે કે શું તેઓ મુખ્ય પ્રવાહના રાજકારણમાં પ્રવેશ કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *