સુરત: ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિને પહોંચી વળવા આર્મીની બે ટીમો ઉતારાઈ, શાળા-કૉલેજો બે દિવસ માટે બંધ

Spread the love

Sonawaneસુરતમાં ભારે વરસાદને પગલે રાહત-બચાવકાર્ય માટે સૈન્યની બે ટુકડી ઉતારાઈ

સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

 

ખાસ કરીને અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી અને ડાંગમાં છૂટાંછવાયાં સ્થળોએ અત્યંત ભારેથી અસાધારણ વરસાદનું અનુમાન છે.તો જે વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે, ત્યાં કેટલાંક સ્થળોએ આજે વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં પણ કેટલીક જગ્યાએ વરસાદની શરૂઆત થઈ ગઈ છે.

 

ઉલ્લેખનીય છે કે બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને કારણે સંબંધિત જિલ્લામાં શાળાઓમાં રજા અપાઈ છે. તેમજ વહીવટીતંત્ર પણ સતર્ક થયું છે.

 

સંબંધિત જિલ્લા અધિકારીએ લોકોને કારણ વિના બહાર ન નીકળવાની અપીલ પણ કરી છે.

 

ગુજરાતના રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર તંત્ર હાઈ ઍલર્ટ પર છે. રાજ્યના 13 જિલ્લામાં ‘રેડ ઍલર્ટ’ અને 7 જિલ્લામાં ‘ઑરેન્જ ઍલર્ટ’ અપાયું છે.

 

બચાવ અને રાહતની કામગીરી માટે એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 33 સહિત કુલ 50 ટીમો તહેનાત કરાઈ છે.

સુરતમાં ભારે વરસાદ, ખાડીઓમાં પાણીની આવકજ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે

રાજ્યભરમાં રેડ અને ઑરેન્જ ઍલર્ટ વચ્ચે નડિયાદ શહેરમાં વહેલી સવારથી જ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.

 

સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં છે.

 

શહેરના શારદા મંદિર સ્કૂલ, નીલકંઠ મહાદેવ, નાના કુંભનાથ રોડ, સિવિલ હૉસ્પિટલ રોડ, વાણિયાવાડ સર્કલ, મહાગુજરાત હૉસ્પિટલ વિસ્તાર, શૈશવ હૉસ્પિટલ રોડ, સંતરામ મંદિર રોડ, સલુણ બજાર, શ્રેયસ-ખોડીયાર ગરનાળા અને બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ જાણે કે તળાવમાં ફેરવાઈ ગયા છે.

 

રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનાં ઘરો સુધી વરસાદી પાણી પહોંચતાં સ્થાનિકોમાં ચિંતા પેઠી છે.

 

કેટલીક જગ્યાએ ટ્રાફિક ધીમો પડી ગયો છે અને લોકો જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની ફરજ પડી રહી છે.

 

વડોદરામાં વરસાદી માહોલ છવાયેલો છે

 

હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરાના શિનોર પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

 

વરસાદને પગલે શિનોર-સુરાશામળ માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

 

તો ઉપરવાસમાં વરસાદને લીધે ઓરસંગ નદી સિઝનમાં પહેલી વાર બે કાંઠે વહી રહી છે. ડભોઈના ચણવાડા નજીક ઓરસંગ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી.

 

છોટા ઉદેપુરની હેરણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા એનાં પાણી ઓરસંગમાં ભળી ગયાં છે.

 

વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીના જળપ્રવાહમાં વ્યાપક વધારો થયો છે.

 

નર્મદા કાંઠાના તીલકવાડા અને ઉપરવાસમાં વરસેલા વરસાદથી મેણ નદીનો પ્રવાહ પર નર્મદા નદીમાં ભળ્યો છે.

 

ચાલુ સિઝનમાં પ્રથમ વાર વ્યાપક પાણીના પ્રવાહ સાથે નર્મદા નદી ચાંદોદ પાસેથી વહેતી જોવા મળી હતી.

 

ચાંદોદના મલ્હાર રાવ ઘાટ નજીક લોકો નદીનો રમનીય નજારો જોવા ઊમટી પડ્યા હતા. જોકે તંત્ર દ્વારા લોકોને નદી કિનારાથી દૂર રહેવા સૂચના આપી હતી.

 

નવસારીના ગણદેવીમાં ત્રણ મજૂરોનાં મોત

 

નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે કરંટ લાગતા ત્રણ લોકોનાં મોત થયાં છે.

 

ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું કે “ગણદેવી તાલુકાના ગણદેવા ગામના નહેર ફળિયાના લોકો ટેમ્પામાં બેસીને મજૂરી માટે જતા હતા અને એ દરમિયાન ટેમ્પામાં કરન્ટ લાગવાથી ત્રણ લોકોનાં મોત થયાં છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.”

 

મળતી માહિતી પ્રમાણે નીચે નમેલો વીજતાર ટેમ્પાને અડી જતા આ ઘટના ઘટી હતી.

 

આ ઘટના બનતા કૅબિનેટ મંત્રી નરેશ પટેલ તેમજ ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો.

 

ધોળકાના ગામે વરસાદ બાદની તારાજી

 

sachin pithwaભેટાવડા ગામે 300થી વધુ ઘરોમાં પાણી હતાં અને 60થી વધુ મકાનો ધરાશાયી થયાં હોવાનું જાણવા મળ્યું છે

ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે છેલ્લા પાંચ દિવસથી પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં અને હાલ પાણી ઊતરતા તારાજીનાં દૃશ્યો સામે આવ્યાં છે.

 

ભેટાવડા ગામે 300થી વધુ ઘરોમાં પાણી હતાં અને 60થી વધુ મકાનો ધરાશાયી થયાં હોવાનું જાણવા મળ્યું છે.

 

ગામના અંદાજે 300થી વધુ ઘરોમાં વરસાદી અને ઉપરવાસનું પાણી ઘૂસી જતાં પરિવારોએ ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

 

જ્યારે 60થી વધુ મકાનો ધરાશાયી થઈ જતાં અનેક પરિવારો બેઘર બન્યા છે.

ઘરોમાં રહેલું અનાજ, ખાદ્યસામગ્રી, કપડાં, ઘરવખરી અને દૈનિક ઉપયોગની વસ્તુઓ પાણીમાં ડૂબી જતાં સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે.

સરકારી શાળા, ગ્રામપંચાયત કચેરી અને સરકારી અનાજની દુકાનમાં પણ ભારે નુકસાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *