ભારે વરસાદની આગાહીના પગલે કલેકટરે તાબડતોબ મિટિંગ યોજી; નોડલ ઓફિસરની નિમણૂક

Spread the love

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપનની તમામ તૈયારીઓની સમીક્ષા હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં સંભવિત વરસાદી પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે અને અનેક વિસ્તારોમાં નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે.આજરોજ કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાના અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરે બચાવ અને રાહત કામગીરી માટે જરૂરી તમામ સાધનો, માનવબળ તથા સંકલનની વ્યવસ્થા અંગે વિગતવાર સમીક્ષા કરી અધિકારીઓને સતર્ક રહી કામગીરી કરવા સૂચના આપી હતી. બેઠક બાદ કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જાતે જ ફિલ્ડ વિઝિટ કરીને નીચાણવાળા વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે સંભવિત પાણી ભરાવાની સ્થિતિ, બચાવ માટેની વ્યવસ્થા તેમજ અન્ય જવાબદાર અધિકારીઓ સાથે સ્થળ પર ચર્ચા કરીને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તંત્ર દ્વારા દરેક પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું છે. જિલ્લામાં બચાવ કામગીરી માટે કોટડા સાંગાણી ખાતે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસ.ડી.આર.એફ.)ની એક ટીમને ખડેપગે તૈનાત રાખવામાં આવી છે. ઉપરાંત ઘંટેશ્વર ખાતે ફાયબર બોટ સહિત કુલ ૧૬ જેટલી બોટ તૈયાર રાખવામાં આવી છે, જેથી જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય.

 

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરીને તેમને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ રાજકોટ જિલ્લાના અંદાજે ૧૭૦ જેટલા નીચાણવાળા ગામોની ઓળખ કરી ત્યાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે અને આગોતરા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા તંત્રે નાગરિકોને પણ અનાવશ્યક બહાર ન નીકળવા, વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા તથા કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટોલ-ફ્રી નંબર ૧૦૭૭ અથવા ટેલિફોન નંબર ૦૨૮૧-૨૪૭૧૫૭૩ પર સંપર્ક કરવા અપીલ કરી છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર ૨૪ કલાક એલર્ટ મોડમાં રહી સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *