ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકીના રાજકીય વારસાને ઉજાગર કરતું પુસ્તક ‘સોલંકી યુગ’ લોન્ચ

Spread the love

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. માધવસિંહ સોલંકીના 99મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદના AMA ખાતે ‘પ્રેરણા પર્વ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના જાહેર જીવન, રાજકીય કારકિર્દી અને ગુજરાતના વિકાસમાં આપેલા યોગદાનને સમર્પિત ‘સોલંકી યુગ’ નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે.સોલંકી યુગ’ પુસ્તકમાં ગુજરાતના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલા અનેક મહત્વના પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં દરેક તાલુકામાં ITIની સ્થાપના, અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડની શરૂઆત, નર્મદા કેનાલ નેટવર્કના વિસ્તરણ, સ્થાનિક ખાતર ઉત્પાદનમાં આત્મનિર્ભરતા અને રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે લેવામાં આવેલા નિર્ણયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

 

પુસ્તકમાં માધવસિંહ સોલંકીના રાજકીય વ્યક્તિત્વ, સામાજિક સમાનતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, રાજ્ય નિર્માણમાં તેમની ભૂમિકા તેમજ કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકેની તેમની કામગીરીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ તેમના રાજકીય વિચારો અને વિકાસલક્ષી દ્રષ્ટિકોણને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

પુસ્તક વિમોચન કાર્યક્રમમાં પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી, હાસ્યકલાનિષ્ણાત શાહબુદ્દીન રાઠોડ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ, રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક, જયનારાયણ વ્યાસ, સિદ્ધાર્થ પટેલ, સાંસદ ગેનીબેન ઠાકોર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વક્તાઓએ માધવસિંહ સોલંકીના રાજકીય જીવન, તેમની વિકાસલક્ષી નીતિઓ અને લોકકલ્યાણકારી અભિગમને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.વક્તાઓએ જણાવ્યું કે માધવસિંહ સોલંકી ગુજરાતના એવા નેતા હતા જેઓ સતત ચાર વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા હતા. તેમના શાસનકાળ દરમિયાન રાજ્યમાં શિક્ષણ, ઉદ્યોગ, કૃષિ અને માળખાકીય વિકાસના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેના લાંબા ગાળાના પરિણામો આજે પણ જોવા મળે છે.

 

કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ પોતાના પિતા માધવસિંહ સોલંકીના જીવનપ્રસંગો, રાજકીય વારસા અને જાહેર જીવનમાં તેમના યોગદાન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે માધવસિંહ સોલંકીનું જીવન સમાજના તમામ વર્ગોના વિકાસ અને સમાનતાના મૂલ્યોને સમર્પિત રહ્યું હતું.

 

‘પ્રેરણા પર્વ’ અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ માધવસિંહ સોલંકીના વિકાસલક્ષી કાર્યોને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. ‘સોલંકી યુગ’ પુસ્તકને તેમના જાહેર જીવન અને ગુજરાતના વિકાસમાં આપેલા ઐતિહાસિક યોગદાનનો મહત્વપૂર્ણ દસ્તાવેજ ગણાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *