મોડાસા અને હિંમતનગરમાં ‘સ્પા’ની આડમાં ચાલતાં કુટણખાનાંનો પર્દાફાશ

Spread the love

અરવલ્લી એસઓજીની ટીમે મોડાસા શહેરના સ્પામાં તેમજ હિંમતનગરના સ્પામાં AHTUની ટીમે ડમી ગ્રાહકો મોકલીને બંને સ્થળોએ ‘સ્પા’ની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટોનો પર્દાફાસ કરી સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

 

ભિલોડા : અરવલ્લી જિલ્લા એસઓજીની ટીમે મોડાસા શહેરમાં આવેલા ડિવાઇન સ્પામાં ચાલતા કથિત દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કરી સ્પા સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.બાતમીના આધારે પોલીસે મોડાસાના ગણેશપુર હજીરા ત્રણ રસ્તા પાસે આવેલા આયેશા કરીમ કોમ્પ્લેક્સના પ્રથમ માળે ચાલતા ડિવાઇન સ્પામાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્પાની આડમાં પુરુષ ગ્રાહકો પાસેથી નાણાં મેળવી મહિલાઓ દ્વારા દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાની પ્રાથમિક હકીકતો સામે આવી હતી. એસઓજીની ટીમે ડમી ગ્રાહક મારફતે ઓપરેશન પાર પાડી જરૂરી પુરાવા મળ્યા બાદ સ્થળ પર દરોડો પાડી સ્પાના સંચાલક અને માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે જણાવ્યું કે, આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સમાજ માટે નુકસાનકારક હોવાથી આવા ધંધા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

પોલીસે સ્પા સંચાલક સામે અનૈતિક માનવ વેપાર (નિવારણ) અધિનિયમ સંબંધિત કલમો તેમજ અન્ય લાગુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીમાં અરવલ્લી જિલ્લા એસઓજીના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્પાનાં પશ્ચિમ દિલ્હીનાં એક મહિલા અને દીપક હિંમતારામ થાંવલા સામે મોડાસા શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

હિંમતનગર : હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલ સામે સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના રેકેટને શુક્રવારે રાત્રે સાબરકાંઠાના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા પદાફાર્શ કરવામાં આવ્યો હતો. પોલીસની ટીમે બાતમીને આધારે ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડી દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચલાવતા એક શખ્સને ઝડપી લઇ હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

આ અંગે એએચટીયુનાં સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઈન્ચાર્જ પીઆઈ કે.યુ.ચૌધરી તથા તેમના સ્ટાફને એવી બાતમી મળી હતી કે, નવી સિવિલ સામે આવેલી એક જગ્યાએ સ્પાની આડમાં દેહ વ્યાપાર કરાઈ રહ્યો છે. જેથી પીઆઇ સહિત સ્ટાફે કૌભાંડનો પદાફાર્શ કરવા માટે નવી સિવિલ સામે આવેલા પાલવ સ્પામાં ડમી ગ્રાહક મોકલીને તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન અશ્વમેઘ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલા પાલવ સ્પામાં દેહ વ્યાપાર કરવામાં આવતો હોવાનું માલુમ પડતાં પોલીસે ધનવંત હરીપ્રસાદ મિસ્ત્રીને દબોચી લીધો હતો. પોલીસે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં ધનવંત હરીપ્રસાદ મિસ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *