આજે વહેલી સવારે જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તાર ખાતે અંદાજે 1 થી 2 વર્ષનો એક નર સિંહે લોખંડના ગેટ પરથી કૂદીને પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. તે વખતે તેનો પાછળનો પગ ગેટમાં ફ્સાઈ જતાં તેને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગની ટીમ તથા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમ દ્વારા જરૂરી સાવચેતી અને નિષ્ણાત પદ્ધતિઓ અપનાવી સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો.રેસ્ક્યૂ બાદ સિંહને વધુ સારવાર અને સતત પશુચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો છે,
આ અંગે DCF અક્ષય જોશીએ જણાવ્યું હતું કે, નિષ્ણાત ચિકિત્સકો દ્વારા તેની સારવાર ચાલી રહી છે. હાલ તેની સ્થિતિ સ્થિર છે અને સતત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી રહી છે. જૂનાગઢ વન વિભાગ તથા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની ટીમ દ્વારા આપવામાં આવેલા ઝડપી અને સંકલિત પ્રતિસાદના કારણે સિંહને સમયસર સારવાર મળી શકી અને તેના જીવને સંભવિત જોખમમાંથી બચાવવામાં સફ્ળતા મળી છે. વન વિભાગ વન્યજીવોના સંરક્ષણ અને તેમની સુરક્ષા માટે સતત પ્રતિબદ્ધ છે અને આવી કોઈપણ પરિસ્થિતિમાં ત્વરિત તથા અસરકારક કામગીરી કરવા માટે હંમેશા સજ્જ છે.