અમદાવાદના શીલજ વિસ્તારમાં કરોડોના ખર્ચે નવ નિર્મિત સ્મશાનગૃહનું બાંધકામ વિવાદના વટોળમાં સપડાયું છે. માત્ર 7 મહિના પહેલા જ ₹17 કરોડના તોતિંગ ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ સ્મશાનગૃહ તાજેતરમાં પડેલા ભારે વરસાદમાં બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે. વરસાદી પાણીના કારણે સ્મશાનનું મૂળ સ્ટ્રક્ચર બેસી જતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના નબળા બાંધકામની પોલ ખુલી ગઈ છે.હાલત એટલી ગંભીર બની છે કે સ્મશાનમાં લાકડા રાખવાના સ્ટોર રૂમમાં પણ મોટા પાયે પાણીનું લીકેજ થઈ રહ્યું છે. વરસાદી પાણી ગળવાને કારણે અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવેલા લાકડાં પલળીને ભીના થઈ ગયા છે. આના કારણે મૃતકોના પરિજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેને લઈને સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વીડિયો વાયરલ થતાં AMCએ માર્યા થીંગડા
સ્મશાનગૃહની આ દુર્દશાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું હતું. બદનામીથી બચવા માટે AMCએ તાત્કાલિક રાતોરાત કામગીરી હાથ ધરીને થીંગડા મારવાનું કામ શરૂ કર્યું હતું. જોકે, આ કામગીરી કાયમી ઉકેલ છે કે પછી માત્ર વિરોધ શમાવવાનો પ્રયાસ, તે અંગે લોકમુખે ચર્ચાઓ જાગી છે.
