ગુજરાત સરકાર દ્વારા રાજ્યની નોન-ગવર્નમેન્ટ ગ્રાન્ટેડ (અનુદાનિત) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી અંદાજિત 4,000 ક્લાર્કની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે મંજૂરી આપી છે.આ નિર્ણયથી શિક્ષણ ક્ષેત્રને મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વહેલી તકે ભરાઈ શકે
સરકારના નિર્ણય મુજબ હવે શાળા સંચાલકો પોતાના સ્તરે જ ક્લાર્કની ભરતી પ્રક્રિયા હાથ ધરી શકશે. ભરતી અગાઉ અમલમાં રહેલી પદ્ધતિ અને નિયમો અનુસાર જ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપી છે, જેથી શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ વહેલી તકે ભરાઈ શકે.
કામકાજ પણ વધુ સારું બનશે
હાલમાં ક્લાર્કની અછતને કારણે અનેક શાળાઓમાં શિક્ષકોને શિક્ષણ કાર્ય ઉપરાંત વહીવટી અને ક્લેરિકલ કામગીરી પણ સંભાળવી પડતી હતી. નવી ભરતી બાદ શિક્ષકો પરનો વધારાનો બોજ ઘટશે અને તેઓ શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. સાથે જ શાળાઓનું દૈનિક વહીવટી કામકાજ પણ વધુ સારું બનશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી હજારો યુવાનો માટે ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક તરીકે નોકરી મેળવવાની નવી તક ઊભી થઈ છે. ભરતી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત અને અરજી સંબંધિત વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
