100 કરોડથી વધુના આર્થીક વ્યવહારો, ED ની ટીમ પણ તપાસમાં ઝંપલાવશે

Spread the love

સુરેન્દ્રનગરના રતનપરમાં પોલીસ કર્મી દ્વારા ચાલતાં શેરબજારના ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગના મસમોટા રેકેટનો પર્દાફાશ રાજકોટ રેન્જ આઈજીની ટીમે કર્યો છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયને પોતાને જ મળેલી ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.પ્રાથમિક તપાસમાં જ આશરે 100 કરોડથી વધુના શંકાસ્પદ આર્થિક વ્યવહારો સામે આવી શકે છે, જેને પગલે હવે આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ ઝંપલાવે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ ગેરકાયદેસર કાળો કારોબાર છેલ્લા ત્રણ વર્ષથી એક પોલીસકર્મીના ઘરમાં જ ધમધમી રહ્યો હતો.

 

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે સાંજ સમાચાર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રતનપરમાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે તેઓને અંગત બાતમી મળી હતી. કાયદાના રક્ષક ગણાતા પોલીસમેનના જ નિવાસસ્થાને છેલ્લા ત્રણ વર્ષથી શેરબજારના સટ્ટાનો અને ડબ્બા ટ્રેડિંગનો આ મોટો અખાડો ચાલતો હતો.

 

સામાન્ય નાગરિકોની નજરમાં ન આવે તે રીતે પોલીસના કથિત સંરક્ષણ હેઠળ અથવા તેમના જ ઓથા હેઠળ આ નેટવર્ક ઓપરેટ થઈ રહ્યું હતું. આ ખુલાસા બાદ ખાખી વર્દી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.

 

100 કરોડથી વધુના ટર્નઓવરની આશંકાઃ ED તપાસ કરશે

દરોડા દરમિયાન જપ્ત કરાયેલા સાહિત્ય, ડિજિટલ ડિવાઈસ અને ડાયરીઓની પ્રાથમિક ચકાસણી કરતા માલૂમ પડ્યું છે કે આ નેટવર્ક દ્વારા 100 કરોડથી પણ વધુના નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા છે. શેરબજારના સમાંતર ગેરકાયદેસર ટ્રેડિંગ (ડબ્બા ટ્રેડિંગ) દ્વારા સરકારને કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને ટેક્સનું નુકસાન પહોંચાડવામાં આવતું હતું.

 

આ આર્થિક વ્યવહારોનો વ્યાપ ખૂબ મોટો હોવાથી અને તેમાં હવાલા નેટવર્ક કે મની લોન્ડરિંગ સામેલ હોવાની આશંકાને પગલે, સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરીને કેન્દ્રીય એજન્સી ઇડીને સોંપવામાં આવશે.

 

જુગાર આઈડી અને બેંક એકાઉન્ટ્સની તપાસ માટે અલગ-અલગ ટીમો કાર્યરત

રેન્જ આઈજીના જણાવ્યા અનુસાર, આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે અલગ-અલગ સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો ઓનલાઈન ટ્રેડિંગ માટે વપરાતા જુગાર આઈડી ક્યાંથી અને કોના નામે જનરેટ થયા હતા.

 

ગુનાહિત કમાણી છુપાવવા માટે કયા-કયા બેંક એકાઉન્ટ્સ અને ડમી ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નેટવર્કનો મુખ્ય ઓપરેટર અને કિંગપિન કોણ છે અને તેની પાછળ અન્ય કયા મોટા માથાઓનો હાથ છે તે અંગે તપાસ હાથ ધરશે.

 

આ કેસની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ સુરેન્દ્રનગર અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સટ્ટાબજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા પકડાયેલા શંકાસ્પદ ઓપરેટરોની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

સાયબર સેલ અને આર્થિક ગુના નિવારણ શાખાની મદદથી ડિજિટલ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આઈજી નિર્લિપ્ત રાયે સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં સામેલ કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં આ રેકેટ સાથે જોડાયેલા અનેક મોટા નામો અને ચોંકાવનારા ઘટસ્ફોટો સામે આવશે.

 

સુરેન્દ્રનગર પોલીસ ફરી કલંકીત : મોટી કાર્યવાહીના એંધાણ : LCB અને સ્થાનીક પોલીસના તપેલા ચડશે

રાજકોટ. તા.5

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની શંકાસ્પદ કામગીરીને લઈને ફરી એકવાર કલંક લાગ્યો છે. રતનપરમાં પોલીસ કર્મી દ્વારા ચાલતાં શેરબજારના ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગના મસમોટા રેકેટનો પર્દાફાશ રાજકોટ રેન્જ આઈજીની ટીમે કરતાં એલસીબી અને સ્થાનિક પોલીસ મથકોના કેટલાક અધિકારીઓની લાપરવાહી અથવા કથિત સંડોવણી બહાર આવતા ઉચ્ચ સ્તરેથી મોટી વહીવટી કાર્યવાહી તોળાઈ રહી છે.

 

આ આશંકાઓને પગલે સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ આઈપીએસ નિર્લિપ્ત રાય અગાઉ પણ અનેક ભ્રષ્ટ અને બિનજવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરી ચૂક્યા છે. તેમની કડક છાપ અને ‘ઝીરો ટોલરન્સ’ નીતિને કારણે અગાઉ અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અથવા તેમની તાત્કાલિક બદલીઓ કરી દેવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *