Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

Spread the love

કૃત્રિમ (એનાલોગ) પનીર અને ચીઝના કાળા કારોબાર સામે ચલાવવામાં આવેલી મુહિમ આખરે રંગ લાવી છે. રાજ્યના સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ થતા ચેડાં અટકાવવા માટે ગુજરાત સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર રાજ્યની તર્જ પર લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે સમગ્ર ગુજરાતમાં એનાલોગ (કૃત્રિમ) પનીરના ઉત્પાદન અને તેના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.આ નિર્ણયથી ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

 

આજકાલ આપણા રોજિંદા ખોરાકમાં પનીર, ચીઝ અને બટરનો વપરાશ ખૂબ વધી ગયો છે, પરંતુ બજારમાં મળતી આ પ્રોડક્ટ્સ ખરેખર શુદ્ધ છે કે કેમ તે એક સળગતો સવાલ હતો. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને સરકારે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હવે રાજ્યમાં માત્ર એનાલોગ પનીર જ નહીં, પરંતુ એનાલોગ ચીઝ પર પણ કડક પ્રતિબંધ રહેશે. આટલું જ નહીં, ફૂડ સેફ્ટીના યોગ્ય ધારાધોરણો (સ્ટાન્ડર્ડ્સ) જાળવ્યા વગર બનાવવામાં આવતા અને વેચાતા પનીર, ચીઝ અને બટર પર પણ સરકારે સદંતર રોક લગાવી દીધી છે.

 

સરકારનો આ પ્રતિબંધનો આદેશ માત્ર કાગળ પૂરતો સીમિત નહીં રહે તેવો પણ દાવો કરાયો છે. ભવિષ્યમાં જો કોઈ પણ જગ્યાએ ભેળસેળયુક્ત, ધારાધોરણ વગરનું કે એનાલોગ પનીર તેમજ ચીઝનું ઉત્પાદન થતું ઝડપાશે, તો તેવા ઉત્પાદકો સામે તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, બજારમાં આવું નકલી પનીર અને ચીઝ ખુલ્લેઆમ વેચનારા વેપારીઓ વિરુદ્ધ પણ દંડાત્મક પગલાં લેવામાં આવશે. લોકોના આરોગ્ય સાથે રમત રમનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી આપી દેવામાં આવી છે.

 

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ

 

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ માટે લાલબત્તી સમાન એક મોટા સમાચાર મહારાષ્ટ્રથી આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે નાગરિકોના આરોગ્યને પ્રાધાન્ય આપીને રાજ્યમાં એનાલોગ (કૃત્રિમ) પનીરના ઉત્પાદન, વેચાણ, વિતરણ અને તેના સ્ટોરેજ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણય લાગુ થતાં જ છત્તીસગઢ પછી મહારાષ્ટ્ર એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકનારું દેશનું બીજું રાજ્ય બની ગયું છે. મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો કોઈ પણ વેપારી, વ્યક્તિ કે સંસ્થા આ એનાલોગ પનીરને અસલી ડેરી પનીરના નામે ગ્રાહકોને પધરાવશે, તો તેની સામે ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ’ હેઠળ આકરામાં આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *