‘બેસ્ટ અન્ડર બિલિયન’ની યાદીમાં ભારતીય ઉદ્યોગોનો વિશ્વના મંચ પર દબદબો યથાવત

Spread the love

નવીદિલ્હી,તા.6 ભૌગોલિક રાજકીય તણાવ અને વૈશ્વિક ઊર્જા બજારોમાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે પણ એશિયા-પેસિફિક ક્ષેત્રની નાની અને મધ્યમ કદની કંપનીઓએ અદભુત નાણાકીય પ્રદર્શન કર્યું છે. ફોર્બ્સ એશિયા દ્વારા પ્રતિષ્ઠિત ‘બેસ્ટ અંડર અ બિલિયન’ યાદીની 25મી આવૃત્તિ જાહેર કરવામાં આવી છે.

 

વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે ભારતીય ઉદ્યોગોએ આ યાદીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.પાછલા વર્ષોની જેમ આ વખતે પણ ચીન 28 કંપનીઓ સાથે આ યાદીમાં પ્રથમ સ્થાને રહ્યું છે, જ્યારે ભારત 27 કંપનીઓ સાથે સમગ્ર એશિયામાં બીજા ક્રમે મજબૂત સ્થિતિમાં છે.

 

આ વર્ષની યાદીમાં એશિયા-પેસિફિક ક્ષેત્રની 19,000 થી વધુ લિસ્ટેડ કંપનીઓમાંથી કડક માપદંડોના આધારે શ્રેષ્ઠ 200 લિસ્ટેડ કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં એવી જ કંપનીઓને સ્થાન મળ્યું છે જેમનું વાર્ષિક વેચાણ 10 મિલિયનથી 1 બિલિયન વચ્ચે છે. હાલમાં સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સેમિકન્ડક્ટર અને અદ્યતન ટેકનોલોજીની જે તેજી ચાલી રહી છે, તેનો લાભ લેનારી કંપનીઓનો આ યાદીમાં પ્રભાવ જોવા મળે છે.

 

કુલ પાત્ર કંપનીઓમાંથી 25% કંપનીઓ સેમિકન્ડક્ટર સાધનો, ઇલેક્ટ્રોનિક ઘટકો અને સોફ્ટવેર ક્ષેત્ર સાથે જોડાયેલી છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો (EVs) અને નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે સેવાઓ આપતી કંપનીઓ પણ ઝડપથી આગળ વધી રહી છે.

 

ભારત 27 કંપનીઓ સાથે યાદીમાં બીજા ક્રમે છે. જોકે, અગાઉના વર્ષ 2024 અને વર્ષ 2023 માં ભારતની 30-30 કંપનીઓ આ યાદીમાં સામેલ હતી, જેની સરખામણીએ આ વખતે ભારતીય કંપનીઓની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. તેમ છતાં ભારત ચીન પછી બીજા ક્રમે પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે.

 

આ યાદીમાં જાપાન અને તાઇવાનની 22-22 કંપનીઓ સામેલ છે, જ્યારે મલેશિયાની કંપનીઓની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે. પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ જેવા દેશોની 5 થી પણ ઓછી કંપનીઓ આ યાદીમાં સ્થાન મેળવી શકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *