ભારતીય એનજીઓ, ટ્રસ્ટો, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓમાં વિદેશી ફંડિંગના નામે ચાલતી દેશ વિરોધી અને અનધિકૃત પ્રવૃત્તિઓ પર કાયમી લગામ કસવા મોદી સરકારે ‘એફસીઆરએ’ કાયદામાં કડક સુધારાની તૈયારી કરી લીધી છે. આ મામલે ભારત સરકારના આક્રમક વલણને પગલે અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. ભારતના આ નિર્ણયથી સમસમી ઉઠેલાં એક અમેરિકન સાંસદે ચીમકી આપતાં જણાવ્યું છે કે, આ વિદેશી ફંડિગ પર નિયંત્રણો લાદવાથી ભારત-અમેરિકાના સંબંધો વણસી શકે છે.અમેરિકન સાંસદ રિલે મૂરના દાવા અનુસાર, ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ)ની મદદથી ભારત સરકાર ચર્ચ અને ધાર્મિક સંગઠનો પર નિયંત્રણ મેળવી લેશે જે ખ્રિસ્તીઓ પર સીધા હુમલાં સમાન છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મૂરે જણાવ્યું હતું કે, ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના ગણતરીના દાયકાઓ પછી જ સેન્ટ થોમસ ધ એપોસ્ટલ મલબાર કિનારે આવ્યાં હતાં અને ત્યારથી ભારતમાં ખ્રિસ્તી સમુદાય વસે છે. ખ્રિસ્તીઓનો ભારતમાં વસવાનો આટલો લાંબો ઈતિહાસ હોવા છતાં ભારત સરકાર એફસીઆરએના નિયમો બદલીને ચર્ચો પર અંકુશ મેળવવા માંગે છે. આ બિલ ખ્રિસ્તીઓ પરનો સીધો હુમલો છે. જો આ બિલને મંજૂરી મળશે તો તેનાથી ભારત સાથેના અમેરિકાના સંબંધો જોખમમાં મુકાશે.
