દાહોદ જિલ્લાના સીંગવડ અને સંજેલી તાલુકામાં સરકારી વ્યવસ્થા અને આદિવાસી સમાજના બંધારણીય અધિકારો પર તરાપ મારતું બોગસ અનુસૂચિત જનજાતિ (ST) પ્રમાણપત્ર કૌભાંડ સામે આવ્યું છે. મૂળ હિંદુ રાવળ (બક્ષીપંચ/OBC) જ્ઞાતિ ધરાવતા એક જ પરિવારે સરકારી રેકોર્ડમાં ગેરરીતિ આચરી આદિવાસી હોવાના બોગસ પ્રમાણપત્રો મેળવ્યા હોવાના પુરાવા સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપો કર્યા છે.
સરકારી વયપત્રકમાં જાતિ સ્પષ્ટપણે ‘હિંદુ રાવળ પછાત’ નોંધાયેલી
આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી વિશે યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સંજેલી તાલુકા કુમાર પ્રાથમિક શાળાના સરકારી વયપત્રક (G.R. No. 2529) માં કમલેશકુમાર રાવળ અને તેમના પૂર્વજોની જાતિ સ્પષ્ટપણે ‘હિંદુ રાવળ પછાત’ નોંધાયેલી છે.
મહેસુલી રેકોર્ડમાં મંડેર ગામના હક્ક પત્રક (નોંધ નં. 884, 889, 911 અને 914) માં પરિવાર બક્ષીપંચ જ્ઞાતિનો હોવાનો ઉલ્લેખ છે.
પરિવારના પૂર્વજ કાળુભાઈ રાવળે આદિવાસી ડામોર પરિવારના ભળતા નામનો ગેરલાભ લઈ 7/12 માં નામ ઉમેરાવ્યું હતું. ત્યારબાદ 2010માં નાની સંજેલી ગામની વયપત્રક નોંધમાં ગેરકાયદેસર રીતે ‘વરસાઈ’ (આદિવાસી) શબ્દ ઉમેરીને બોગસ જાતિ પ્રમાણપત્ર મેળવવાનો આધાર ઊભો કરાયો હતો.
બોગસ પ્રમાણપત્રના આધારે મેળવ્યા સરકારી-સામાજિક લાભો
યુવરાજસિંહે દાવા સાથે આક્ષેપ કર્યો છે કે, આ પરિવારે અનામતનો ગેરલાભ લઈ સાચા આદિવાસીઓના હક્કો છીનવ્યા છે. માંનુસિંગ રાવળ લીમડી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. કિરણભાઈ રાવળ સંજેલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ બન્યા અને ભાઠીવાડા ખાતે ST કોટા હેઠળ પેટ્રોલ પંપ મેળવ્યો. સંતોષભાઈ રાવળ ફતેપુરા તાલુકામાં તલાટી કમ મંત્રી તરીકે સેવા આપે છે. આ ઉપરાંત કમલેશ રાવળ અને તેના પુત્રએ મેડિકલ ક્ષેત્રે અનામત બેઠકો પર પ્રવેશ મેળવ્યો. આદિવાસી સમાજના હક્કો માટે ઉગ્ર આંદોલનની ચીમકી
આ પરિવારનો આદિવાસી સંસ્કૃતિ, રીત-રિવાજો કે જમીનના 73A/73AA નિયંત્રણો સાથે કોઈ સંબંધ નથી. તેમના તમામ લગ્નસંબંધો પંચમહાલ અને ફતેપુરાના રાવળ પરિવારોમાં જ થયા છે, જેથી તેઓ મૂળ રાવળ જ્ઞાતિના હોવાનું સાબિત થાય છે. આ પ્રકરણ અંગે આદિજાતિ વિકાસ મંત્રી અને ગુજરાત વિજિલન્સ કમિશન સમક્ષ સજ્જડ પુરાવા રજૂ કરાયા છે જો સમગ્ર કૌભાંડની તટસ્થ વિજિલન્સ તપાસ કરી, બોગસ ST પ્રમાણપત્રો, નોકરીઓ, મેડિકલ સીટો અને પેટ્રોલ પંપ રદ કરીને ફોજદારી ગુનો (FIR) દાખલ નહીં કરાય, તો આદિવાસી સમાજના હક્કો માટે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
