રાજ્યભરમાં તા.૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાશે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

Spread the love

 

*મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તા. ૧૦ ઓગસ્ટે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની તિરંગા યાત્રા અને ‘તિરંગા કોન્સર્ટ’નું આયોજન*

 

*રાજ્યમાં ૧૨૦૦થી વધુ તિરંગા યાત્રાનું આયોજન: ૭૦ લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાશે*

 

*સન્માનપૂર્વક ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ના ખાસ કાર્યક્રમ પણ યોજાશે*

***************************

ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને એકતાના સંદેશ સાથે કશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશની સુરક્ષા માટે શહાદત આપનાર વીર જવાનો, તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમજ બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ નાગરિકોમાં દેશભક્તિના ભાવને મજબૂત કરવાના હેતુથી આ વર્ષે ગુજરાતમાં તા.૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

 

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા મંત્રીમંડળના સભ્યો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી તા. ૧૦ ઓગસ્ટે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની તિરંગા યાત્રા અને ‘તિરંગા કોન્સર્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૧૧ ઓગસ્ટે અમદાવાદ, ૧૨ ઓગસ્ટે રાજકોટ અને ૧૪ ઓગસ્ટે વડોદરા ખાતે તિરંગા યાત્રા યોજાશે.

 

તેમણે કહ્યું કે, આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ૭૦ લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા ગામડાઓથી લઈને રાજ્યના મોટા શહેરો સુધી તમામ જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરશ્રીઓ અને પોલીસ કમિશનરશ્રીઓ સાથે વિવિધ ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા અત્યાર સુધીમાં રાજ્યભરમાં ૧૨૦૦થી વધુ તિરંગા યાત્રાઓ માટેની મંજૂરી મેળવી લેવામાં આવી છે.

 

આ રાષ્ટ્રીય પર્વમાં રાજ્યની સામાજિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, શાળા-કોલેજો અને ધાર્મિક સંસ્થાઓ પણ ઉત્સાહભેર જોડાઈને આયોજનને વધુ વ્યાપક બનાવી રહી છે. આ ઉપરાંત રાજ્યના તમામ તાલુકાઓ, ગામડાઓ અને નવી બનેલી મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓમાં પણ સ્થાનિક કક્ષાએ રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાશે.

 

વીર શહીદોને નમન કરવા અને જવાનોનો આભાર માનવા માટે દર વર્ષે યોજાતી આ યાત્રાઓમાં લાખોની સંખ્યામાં નાગરિકો અને યુવાનો જોડાય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગુજરાતના યુવાનો, વિદ્યાર્થીઓ અને તમામ સમાજના લોકો દેશભક્તિના મહાપર્વમાં સહભાગી બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

 

તા. ૧૪ ઓગસ્ટ સવારે તમામ જિલ્લા મથકો પર ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’નો ખાસ કાર્યક્રમ પણ યોજાશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *