અમિત ઠાકુર, સુરતસુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કતારગામ પોલીસ સ્ટેશનની હદમાં કસ્ટડીમાં રહેલા એક યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો દ્વારા પોલીસ પર અત્યાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈને સુરતમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પરિવારના ગંભીર આક્ષેપો અને પૃષ્ઠભૂમિમૃતક યુવકની ઉંમર અંદાજે 35 વર્ષની હતી અને તે હીરા ઉદ્યોગમાં કચરો એકત્રિત કરવાનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
મૃતકના પરિવારના જણાવ્યા અનુસાર, ત્રણ વર્ષ પહેલાં તેની પત્નીનું અવસાન થયું હતું અને તેને ચાર સંતાનો છે, જેમાંથી હાલ ત્રણ બાળકો પરિવારની દેખભાળ હેઠળ છે. પરિવારનો દાવો છે કે પોલીસે પહેલા દારૂના કેસમાં યુવકની અટકાયત કરી હતી અને બાદમાં તેને ચોરીના કેસમાં પણ ફસાવી દીધો હતો.ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન મારપીટનો આરોપમૃતકની બહેન લીનાબેને મીડિયા સમક્ષ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મૃતકે પોલીસને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેણે માત્ર મકાન ભાડે આપ્યું હતું અને ભાડૂઆત વિશે તેની પાસે કોઈ વિશેષ માહિતી નહોતી. તેમ છતાં, પોલીસે 3થી 5 પોલીસકર્મીઓ દ્વારા 3 દિવસ સુધી રિમાન્ડમાં રાખીને ક્રૂરતાપૂર્વક મારપીટ કરી હતી. પરિવારના દાવા મુજબ, આજે બપોરે કોર્ટમાં રજૂ કરતા પહેલા અચાનક યુવકની તબિયત બગડી ગઈ હતી. જોકે, પરિવારે સમયસર હોસ્પિટલ લઈ જવાની વિનંતી કરી હોવા છતાં પોલીસે તેની અવગણના કરી હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.
નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્તયુવકના આકસ્મિક અને શંકાસ્પદ મોતની જાણ થતાં જ રોષે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિકો નવી સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કસ્ટોડિયલ ડેથની ઘટનાએ સુરત પોલીસની કામગીરી સામે મોટા સવાલો ખડા કર્યા છે અને ન્યાયિક તપાસની માંગ જોર પકડી રહી છે.
