‘હથિયાર અપાવી દઈશ’ કહી ₹15 લાખ પડાવ્યા! કુડાસણમાં જમીનદાર યુવકને ખંડણી-મર્ડરની ધમકી

Spread the love

ગાંધીનગરના કુડાસણમાં રહેતા અને કરોડો રૂપિયાની કિંમતી જમીન ધરાવતા એક યુવાન ખેડૂતને સ્વરક્ષણ માટે હથિયાર પરવાનો અપાવવાની લાલચ આપી ઓળખીતા મિત્ર સહિતના ચાર શખસોએ ભેગા મળી 15 લાખની મસમોટી રકમ પડાવી લીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આટલેથી ન અટકતા આરોપીઓએ અપહરણ કરી ગોળી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ ₹ 4.70 લાખની ખંડણી માંગતા આખરે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

જય પટેલ પાસે કરોડોની વડીલોની જમીન કુડાસણ ગામની કેશવ આરાધ્યમ સોસાયટીમાં રહેતા અને મૂળ પોર ગામના વતની 33 વર્ષીય જય રાજેન્દ્રકુમાર પટેલ વડીલોપાર્જિત જમીન ધરાવે છે. તેની કિંમતી જમીન અડાલજ અને પોર ગામની સીમમાં હોવાથી જમીનની કિંમતમાં કરોડોનો ઉછાળો આવ્યો છે. આ જમીન હડપ કરવા ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વો અવારનવાર તેના વિરુદ્ધ કાવતરા રચતા હોવાથી તેને પોતાની જાનનું જોખમ જણાતું હતું.

જીવને જોખમ હોવાથી મિત્રએ હથિયાર લેવા કહ્યું આ અંગે તેણે એપ્રિલ 2026માં તેના મિત્ર કૃષ્ણકાંત પારસનાથસિંહ રાજપૂત (રહે. પાલજ, ગાંધીનગર) સાથે વાતચીત કરી કરી હતી. આ સાંભળી કૃષ્ણકાંત રાજપૂતે એક સુનિયોજિત જાળ બીછાવી હતી. તેણે જય પટેલને વિશ્વાસમાં લેતા કહ્યું હતું કે, તમારા પર વારંવાર હુમલા થવાનો ડર છે અને જાનનું જોખમ છે તેથી તારે સ્વરક્ષણ માટે રિવોલ્વર કે હથિયારનો પરવાનો મેળવી લેવો જોઈએ. બાદમાં કૃષ્ણકાંતે પોતાની સરકારમાં ઉચ્ચ કક્ષાએ પહોંચ અને મોટી ઓળખાણ હોવાનો દાવો કર્યો હતો અને ₹38 લાખમાં હથિયાર પરવાનો અપાવવાની ખાતરી આપી હતી.

 

38 લાખ માગ્યા’ને 20 લાખમાં સોદો નક્કી કર્યો જો કે જય પટેલે આટલી મોટી રકમ આપવાની અસમર્થતા દર્શાવતા મિત્રતાના નાતે 20 લાખમાં કામ પતાવી દેવાનો સોદો નક્કી થયો હતો. સોદો નક્કી થયા બાદ જય પટેલ વિદેશ પ્રવાસે ગયો હતો. દરમિયાન કૃષ્ણકાંતે વોટ્સએપ કોલ કરીને જણાવ્યું હતું કે, સરકારી કચેરીમાં તમામ કામગીરી પૂરી થઈ ગઈ છે અને હવે એડવાન્સ પેટે 15 લાખ રોકડા તથા જરૂરી દસ્તાવેજો આપવા પડશે. જેથી જય પટેલે વિદેશથી જ પોતાના મિત્ર કેયુર સુરેશભાઈ પટેલને નાણાં ચૂકવવા કહ્યું હતું.

 

15 લાખ રોકડા આપ્યા પરંતુ પરવાનો ન આપી ધમકીઓ દીધી

 

7 જુલાઈ, 2026ના રોજ કૃષ્ણકાંતના જણાવ્યા મુજબ તેનો માણસ શ્રવણ મેવાડા (રહે.ગોતા,અમદાવાદ) અને અન્ય એક અજાણ્યો શખ્સ કુડાસણની કંસાર ચોકડીએ આવ્યા હતા. જ્યાં કેયુર પટેલે તેમને 15 લાખ રોકડા આપી દીધા હતા. એ બાદ વિદેશથી પરત આવ્યા બાદ જય પટેલે હથિયારના પરવાના અંગે પૂછપરછ કરતા કૃષ્ણકાંત અને શ્રવણ મેવાડા ગોળગોળ જવાબ આપવા લાગ્યા હતા. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા પૈસા પરત માંગ્યા હતાં. આ વાત સાંભળતા જ બંને શખસોએ ઉશ્કેરાઈ જઈ ફોન પર ગાળો અને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું.

 

અન્ય એક શખસે ફોન કરી પૈસા માંગ્યા

 

ત્યારબાદ આરોપીઓએ જય પટેલના વોટ્સએપ મેસેજ અને કોલનો જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. 5 ઓગસ્ટના રોજ જય પટેલના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી સતત કોલ આવ્યા હતા. ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ નિકોલ (અમદાવાદ)ના અમિત રબારી તરીકે આપી હતી.

 

અમિતે જણાવ્યું કે, મને કૃષ્ણકાંત રાજપૂતે તારો નંબર આપ્યો છે અને તારી પાસેથી મારે ₹4.70 લાખ લેવાના નીકળે છે.

 

‘બંદૂકની ગોળીએ તને જાનથી મારી નાખીશ’

 

પરંતુ જય પટેલે પૈસા આપવાનો ઈન્કાર કરતા અમિત રબારીએ ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપતા જણાવ્યું હતું કે, જો તું પૈસા નહીં આપે તો તારા ગામ અને ઘરમાં આવીને બંદૂકની ગોળીઓ મારી તને જાનથી મારી નાખીશ. આમ આરોપીઓએ બળજબરીપૂર્વક નાણાં કઢાવવા માટે અપહરણ કરવાનું અને મોતનો ભય બતાવી ભારે દબાણ કર્યું હતું. આ સતત મળતી ધમકીઓ અને અપહરણના ડરથી ફફડી ઉઠેલા જય પટેલે આખરે ફરિયાદ આપતા ઇન્ફોસિટી પીઆઇ વિશાલ અશ્વિનભાઈ શાહે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *