• *ગુજરાતને વર્ષ ૨૦૩૦ સુધી એડ્સ-ફ્રી બનાવવાનો સંકલ્પ*
• *બે મહિના ચાલનાર અભિયાન દરમિયાન ઠેર-ઠેર ફેલાવાશે જાગૃતિ*
• *રાજ્યના ૩૪ જિલ્લાઓમાં ભવ્ય જાગૃતિ રેલીઓ યોજવામાં આવશે*
*****
ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (GSACS) દ્વારા આજે ઈન્ટેન્સિફાઈડ IEC કેમ્પેઈનનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શનમાં ઈન્ટેન્સિફાઈડ IEC કેમ્પેઈન ૧૨ ઓગષ્ટ ૨૦ર૬ થી ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ચલાવવામાં આવશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોએ “Let Us Participate, Not Discriminate” (ચાલો સહભાગી બનીએ, ભેદભાવ ના કરીએ) થીમ હેઠળ આયોજિત આ અભિયાનનું ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ (IIPH), ગાંધીનગર ખાતે પ્રારંભ કરાવ્યો.
અભિયાન લૉન્ચ કરતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોએ જણાવ્યું કે આ અભિયાનને સંવેદનશીલતા અને ધૈર્ય સાથે સફળ બનાવવાનું છે. તેમણે એઇડ્સ નાબૂદી કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને કાર્યકરોને વર્ષ ૨૦૩૦ સુધી એઇડ્સ -ફ્રી ગુજરાતનો સંકલ્પ સિદ્ધ કરવા માટે અભિયાનને વધુમાં વધુ સફળ બનાવવાનો અનુરોધ કર્યો હતો.
નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (NACO), ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર આ અભિયાનનો હેતુ HIVના સંક્રમણને ઘટાડવાનો, HIV અને STI સંબંધિત આરોગ્ય સેવાઓ માટેની માંગ વધારવી તથા HIV અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શન્સ (STIs) સાથે સંકળાયેલા કલંક અને ભેદભાવ સામે લડત આપવાનો છે.
ઈન્ટેન્સિફાઈડ IEC કેમ્પેઈન અભિયાન દ્વારા લોકોને HIVના સંક્રમણના ચાર મુખ્ય કારણો અંગે જાગૃત કરવામાં આવશે. (૧) અસુરક્ષિત જાતીય સંબંધ, (૨) સંક્રમિત સોય અને સિરીન્જ નો ઉપયોગ, (૩) સંક્રમિત રક્ત અથવા રક્ત ઘટકોનું સંક્રમણ અને (૪) સંક્રમિત માતા દ્વારા નવજાત બાળકમાં HIVનું સંક્રમણ……
આ ઉપરાંત; HIV અને AIDS (Prevention and Control) Act,2017ની જોગવાઈઓ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવશે, ખાસ કરીને ગોપનીયતા અને HIV સાથે જીવતા લોકો સામે થતા ભેદભાવથી રક્ષણ સંબંધિત જોગવાઈઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.
અભિયાનના પ્રારંભના ભાગરૂપે ગુજરાતના ૧૩ દિશા ક્લસ્ટર દ્વારા ૩૪ જિલ્લાઓમાં ભવ્ય જાગૃતિ રેલીઓનું આયોજન કરવામાં આવશે. આ ભવ્ય રેલીઓમા તમામ NACP સ્ટાફ તથા વિદ્યાર્થીઓ, યુવાનો અને તમામ આરોગ્ય સંસ્થાઓના સભ્યોનો સમાવેશ થશે. આ કેમ્પેઈનમાં સરકારી હોસ્પિટલ તથા અન્ય સંસ્થાઓ ખાતે હેલ્થ કેમ્પ કરવામાં આવશે. ૩૦૦૦ થી વધુ ગામડાઓમાં જાગૃતિ કાર્યક્રમ અને મીટીંગો કરવામાં આવશે. માધ્યમિક શાળા તથા કોલેજોમાં એચ.આઇ.વી. જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે.
ગ્રામ્ય કક્ષાએ લોકોને જન જાગૃતિ વધે તે હેતુ થી પંરપરાગત માધ્યમ જેવાકે ફોક શો, નાટકો, તથા ડાયરા થકી લોકોને જાગૃત કરવામાં આવશે. આ મહાજાગૃતિ અભિયાનમાં નાગરિકોને HIVના જોખમો, HIVને અટકાયતી પગલાં અને સ્વસ્થ વર્તણૂક અંગે શિક્ષિત કરવામાં આવશે. સાથે જ HIV અને AIDS (Prevention and Control) Act, 2017 અંગે જાગૃતિ વધારવામાં આવશે અને તમામ લોકોને આરોગ્ય સેવાઓ, HIV અને STI નિદાન, તપાસ, અને સારવાર નિશુલ્ક કરવામા આવશે, તથા રક્તદાનની સેવાઓ પુરી પાડવામા આવશે.
આ બે માસના સઘન કેમ્પેઇનનો ઉદ્દેશ ખાસ કરીને યુવાનો સહિત સમુદાયને જોડવાનો તથા સહભાગિતા, જાગૃતિ અને ભેદભાવમુક્ત વલણનો સંદેશ વધુ મજબૂત કરવાનો છે.
આ પ્રસંગે આરોગ્ય કમિશનર -ગ્રામ્ય તથા નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટર તેમજ GSACSના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. રતન કંવર ગઢવી ચારણ, જૉઇન્ટ ડાયરેક્ટર ઑફ ટીબી ડૉ. આર. બી. પટેલ, GSACSના એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. કાર્તિક શાહ અને IIPHના ડાયરેક્ટ ડૉ. દીપક બી. સક્સેના ઉપસ્થિત રહ્યા હતાં.
