ગામડે-ગામડે જ્ઞાનનો ધમાકો! ‘ગ્રામીણ જ્ઞાન સેતુ’થી 63 લાયબ્રેરી સુધી પહોંચશે 2.80 લાખ પુસ્તકો

Spread the love

ગામડાંના બાળકો અને યુવાનોને પોતાના ગામમાં જ ગુણવત્તાયુક્ત પુસ્તકો તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનું સાહિત્ય સરળતાથી મળી રહે એવા હેતુથી ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ‘ગ્રામીણ જ્ઞાન સેતુ’ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી આ નવીન પહેલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે ગાંધીનગર ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

63 ગ્રામીણ લાયબ્રેરીઓ મુખ્ય કેન્દ્રો સાથે જોડાઈ આ નવીન પહેલ હેઠળ ગાંધીનગર, કલોલ અને સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં 4500થી 6000 ઉત્કૃષ્ટ પુસ્તકો ધરાવતી નાની લાઇબ્રેરીઓ કાર્યરત કરવામાં આવી છે. હાલમાં 63 ગ્રામીણ લાઇબ્રેરીઓને 2.80 લાખથી વધુ પુસ્તકો ધરાવતી ચાર મુખ્ય લાઇબ્રેરીઓ સાથે સાંકળવામાં આવી છે. ગામડાના વાચકોને પુસ્તકો મેળવવા માટે દૂર સુધી ન જવું પડે તે માટે સાંસદ ગ્રાન્ટમાંથી 4 વિશેષ ‘મોબાઈલ વાન’ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વાન દર 15 દિવસે ગામડાઓની મુલાકાત લેશે. વાચકો મોબાઇલ એપ મારફતે પોતાની પસંદગીનું પુસ્તક ઓર્ડર કરી શકશે અને આ વાન જૂનાં પુસ્તકો પરત લઈ નવાં ઓર્ડર કરેલાં પુસ્તકો સીધાં ગામ સુધી પહોંચાડશે.

 

માત્ર 3 મહિનામાં 752 લાઇબ્રેરીઓ ડિજિટલ નેટવર્ક સાથે જોડાઈ

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારના સક્રિય સહયોગથી માત્ર ત્રણ મહિનાના ટૂંક સમયગાળામાં 752 જેટલી લાઇબ્રેરીઓને ડિજિટલ એપ સાથે જોડી દેવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, બાળકોમાં નાનપણથી જ વાંચનની ટેવ કેળવાય તે માટે બાળવાર્તાઓથી લઈને ભારતનો ઈતિહાસ, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉપયોગી અભ્યાસક્રમ મુજબના પુસ્તકોની પસંદગી કરવામાં આવી છે. વધુમાં, સસ્તુ સાહિત્ય મંડળ અને ગીતા પ્રેસ જેવા પ્રતિષ્ઠિત પબ્લિશર્સના સાહિત્યને પણ આ ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

 

ગાંધીનગરમાં 100 કરોડના ખર્ચે બનશે ‘નમો સેન્ટ્રલ લાયબ્રેરી’

 

આ કાર્યક્રમમાં ઉદ્બોધન આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, આ પ્લેટફોર્મ ગામને શહેર સાથે, વાચકને પુસ્તકાલય સાથે અને વિદ્યાર્થીને જ્ઞાન સાથે જોડવાનું મહત્વનું માધ્યમ બનશે. તેમણે જાહેરાત કરી હતી કે ગાંધીનગરમાં અતિઆધુનિક ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી’ની સ્થાપના માટે રાજ્ય સરકારે 100 કરોડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત આદિજાતિ વિસ્તારોમાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી સ્થાપવાના આયોજન હેઠળ ચાલુ વર્ષે 15 તાલુકાઓમાં નવી લાઇબ્રેરીઓ ઊભી કરાશે.

 

આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીત, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ તથા લક્ષ્મણજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *