ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પી.કે. ચૌધરી કોલેજ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે ભાવપૂર્વક સ્મરણ કાર્યક્રમ યોજાયો

Spread the love

*વિભાજનની વેદના, વિસ્થાપન અને બલિદાનને નમન: ચિત્ર પ્રદર્શની તથા ડોક્યુમેન્ટ્રી દ્વારા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ*

ગાંધીનગર તા. ૧૪ ઓગસ્ટ-

ભારતના વિભાજન દરમિયાન અસંખ્ય નાગરિકો અને પરિવારોએ સહન કરેલી અસીમ પીડા, વિસ્થાપન, માનવિય સંઘર્ષ અને આપેલા બલિદાનોને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિભાજન વિભીષિકા સ્મૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેક્ટર-૭ સ્થિત પી. કે. ચૌધરી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રદર્શન અને ડોક્યુમેન્ટ્રી શૉ તથા નાટકના માધ્યમથી વિભાજનના ઐતિહાસિક અને કરુણ પ્રસંગોને યાદ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મેયર શ્રી મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ આપણને યાદ અપાવે છે કે આઝાદી મેળવવા માટે દેશે અનેક લોકોએ બલિદાનો આપ્યા હતા પરંતુ ૧૯૪૭ના વિભાજન દરમિયાન જે માનવીય પીડા સર્જાઈ હતી, તે આપણા ઇતિહાસનો અત્યંત કરૂણ અધ્યાય છે.

લાખો લોકો પોતાના ઘર, જમીન અને વતનથી વિખૂટા પડ્યા. અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, અનેક લોકોએ પોતાના જીવનની સૌથી મોટી પીડા સહન કરી. આજે આપણે તે તમામ પીડિત પરિવારો અને નિર્દોષ નાગરિકોને નમન કરીએ છીએ.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે આજે આપણે સંકલ્પ કરીએ કે દેશની એકતા અને અખંડિતતા સામે કોઈપણ વિભાજનકારી વિચારને સ્થાન નહીં આપીએ. આપણે આપણા બાળકો અને યુવા પેઢીને આપણા ઇતિહાસથી પરિચિત કરીએ. પરંતુ સાથે એ પણ સમજીએ કે ભારતની સાચી શક્તિ તેની વિવિધતામાં રહેલી એકતા છે.

આપણે સંકલ્પ કરીએ, નફરત નહીં સૌહાર્દ વધારીશું, વિભાજન નહીં એકતા વધારીશું, ભેદભાવ નહીં સમરસતા વધારીશું અને ભારતને વધુ શક્તિશાળી, સમૃદ્ધ અને અખંડ બનાવીશું.

વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલેએ જણાવ્યું હતું કે, માનવ સ્વભાવમાં પ્રેમ અને દ્વેષ બંને પ્રકારની ભાવનાઓ રહેલી છે, પરંતુ સમાજ તરીકે આપણે કઈ ભાવનાને પ્રોત્સાહન આપવું છે તે આપણા પર નિર્ભર છે. આપણે નફરતને નહીં પરંતુ એકબીજાની વિવિધતા અને ખૂબીઓને સ્વીકારીને આગળ વધવું જોઈએ.

કલેક્ટરશ્રીએ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાને યાદ કરતા જણાવ્યું હતું કે આપણો દેશ હંમેશાં ‘વિવિધતામાં એકતા’ માટે જાણીતો છે. આપણા દેશમાં મરાઠી, સિંધી, ગુજરાતી કે ઉત્તર ભારતીય જેવા વિવિધ ભાષીઓ અને સંસ્કૃતિઓ હોવા છતાં, આપણે સૌ અંતે ભારતીય છીએ. પ્રત્યેક વ્યક્તિમાં રહેલા સારા ગુણોને સ્વીકારીને એક સભ્ય સમાજ તરીકે સાથે મળીને પ્રશ્નોના ઉકેલ લાવવાની આવડત કેળવવી જરૂરી છે.

મહાત્મા ગાંધીજીના પ્રખ્યાત કથનને ટાંક્તાં તેમણે જણાવ્યું હતું કે, “આંખના બદલામાં આંખ સમગ્ર દુનિયાને અંધ બનાવી દે છે.” અર્થાત્ નફરતના માર્ગે માત્ર વિનાશ જ સર્જાય છે.

કલેક્ટરશ્રીએ ઉપસ્થિત સૌને અપીલ કરી હતી કે, ૧૯૪૭ની ૧૪મી ઓગસ્ટે વિભાજન દરમિયાન જે કરુણ પરિસ્થિતિ સર્જાઈ હતી, તેવો ઇતિહાસ ક્યારેય પણ ભારતમાં કે વિશ્વમાં ફરી ક્યારેય ન ઘડાય તેવો આપણે સૌએ દ્રઢ સંકલ્પ લેવો જોઈએ.

તેમણે કોઈપણ સમાજ કે ભાષાના ભેદભાવ વગર સૌની સાથે પ્રેમથી જીવીને દેશ પ્રત્યેની સાચી ભક્તિ દાખવવાની હાકલ કરી હતી. વિવિધતામાં એકતાના સંદેશને પોતાના જીવનમાં ઉતારીને આગળ વધવા તેમણે વિદ્યાર્થીઓને ખાસ પ્રેરણા પૂરી પાડી હતી.

કાર્યક્રમ દરમિયાન યોજાયેલી વિશેષ ચિત્ર પ્રદર્શની અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દ્વારા વિભાજન સમયની પરિસ્થિતિ, નિર્દોષ નાગરિકોની યાતનાઓ તેમજ દેશની એકતા અને અખંડિતતાના મહત્વને ઉપસ્થિત સૌ સમક્ષ ઉજાગર કરવામાં આવ્યું હતું. સંવેદનાત્મક રજૂઆતો દ્વારા શાંતિ, સૌહાર્દ, માનવતાના મૂલ્યોનું જતન કરવા અને દેશની એકતા અક્ષુણ્ણ રાખવા માટેનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી ધર્મરાજસિંહ વાઘેલાએ પ્રસંગોચિત ઉદ્બોધન આપી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, સિંધી સમાજના ટી.કે.કલાણી, કેમ્પસ ડાયરેકટર શ્રી યશવંત ચૌધરી તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, કોલેજના આચાર્યશ્રી, પ્રોફેસરો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *