સ્વદેશીની સુગંધ, સંસ્કૃતિનો રંગ: બહેન માટે ભેટ અને ભાઈ માટે રાખડી:”સ્નેહની રાખી -સ્વાવલંબનની ડોરી”

Spread the love

*ગાંધીનગર ખાતે ‘રાખી મેળા’નું ધારાસભ્યશ્રી રીટાબેન પટેલના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન*

*હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ માટે કુલ ૭૮ તથા ફુડના ૩ મળી કુલ ૮૧ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા*

……

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર જિલ્લામાં “સ્નેહની રાખી – સ્વાવલંબનની ડોરી” થીમ આધારિત ‘રાખી મેળા’નું વિધિવત અને ભવ્ય ઉદ્ઘાટન ધારાસભ્યશ્રી રીટાબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ મેળામાં દેશી અને હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ માટે કુલ ૮૧ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં મુલાકાતીઓ માટે ૩ સ્વાદિષ્ટ ફૂડ સ્ટોલ પણ સામેલ છે. મેળામાં હાથશાળ, હસ્તકલા, માટીકામ, મોતીકામ, ચર્મકામ, વાંસકામ, પટોળા, બાંધણી, કચ્છી ભરતકામ, અજરખ બ્લોક પ્રિન્ટ, પેચવર્ક, સાંગાનેરી, મશરૂ, કલમકારી તેમજ ટેરાકોટા જેવી અદભુત કારીગરી ધરાવતી સ્વદેશી વસ્તુઓ ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, મેળામાં આવનાર ગ્રાહકો અને નાગરિકોના મનોરંજન માટે પરંપરાગત કઠપૂતળીના ખેલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

 

ઉલ્લેખનીય છે કે,આ મેળો તારીખ ૧૪/૦૮/૨૦૨૬ થી ૨૩/૦૮/૨૦૨૬ દરમ્યાન સવારે ૧૧:૦૦ કલાક થી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી, હોટેલ પ્રોમિનેન્ટની સામે, કુડાસણ, ગાંધીનગર ખાતે યોજાઈ રહ્યો છે. ગાંધીનગર જિલ્લાના તમામ નાગરિકોને આ રાખી મેળાની મુલાકાત લઈ સ્વદેશી કારીગરો અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

મહિલાઓને સ્વરોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડીને તેમને આર્થિક રીતે પગભર બનાવવા અને ‘વિકસિત ભારત ૨૦૪૭’ના પાયાને મહિલા સ્વાવલંબન થકી વધુ મજબૂત બનાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ સમગ્ર આયોજનમાં ગાંધીનગર જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.

 

આ કાર્યક્રમમાં પુષ્પાબેન નિનામા -ડાયરેક્ટર મહિલા વિંગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, મનીષા પટેલ -અધિક કમિશનર મહિલા વિંગ, રમીલાબા રાઠોર- મહિલા અને બાળ અધિકારી, ગાંધીનગર, રમેશભાઈ જીંજાળા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ગાંધીનગર તથા મહેશજી ઠાકોર ચેરમેન મહિલા અને બાળ સમિતિ જિલ્લા પંચાયત પણ‌ ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *