સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવા અને તેમનું સરઘસ કાઢવાના ગંભીર આક્ષેપો સાથે જોડાયેલા મામલામાં ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે કડક વલણ અપનાવ્યું છે. 13 જુલાઈની ઘટનાને લઈને કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી સુઓમોટો કાર્યવાહી દરમિયાન પોલીસની ભૂમિકા અને ખાસ કરીને ઘટનાસ્થળે હાજર રહેલા DCP રાજદીપસિંહ નકુમની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.મળતી માહિતી અનુસાર, સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના પ્રયાસના ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓને જાહેર રસ્તા પર લઈ જઈ તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હોવાના વીડિયો સામે આવ્યા હતા. આ ઘટનામાં આરોપીઓને રસ્તા પર વિવિધ સ્થળોએ રોકવામાં આવ્યા હતા અને તેમની સાથે મારપીટ કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. વાયરલ થયેલા વીડિયોને લઈને પોલીસની કામગીરી અને આરોપીઓ સાથે કરવામાં આવેલા વર્તન સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. આરોપીઓ સાથે પોલીસ દ્વારા કાયદાની મર્યાદા બહાર જઈને વર્તન થયું છે કે, નહીં, તેમાં કયા અધિકારીઓની ભૂમિકા હતી અને સમગ્ર ઘટનાની જવાબદારી કોની છે તે હવે તપાસનો મુખ્ય મુદ્દો બની શકે છે. હાઈકોર્ટની સુઓમોટો કાર્યવાહીથી આ મામલો વધુ ગંભીર કાનૂની તપાસના દાયરામાં આવ્યો છે.
અંબાજીમાં મોટો રાજકીય ડ્રામા : કાર્યક્રમ પહેલાં કાંતિ ખરાડીને પોલીસે કર્યા નજરકેદ
હાઈકોર્ટના વલણ બાદ હવે સરકાર સામે નજર
સુનાવણી દરમિયાન સરકારી વકીલે સરકાર તરફથી કોર્ટને ખાતરી આપી હતી કે, સરકાર આ ઘટનાની ગંભીરતા સમજી રહી છે અને જરૂરી કાનૂની તથા વહીવટી પગલાં લેવામાં આવશે. સરકારી પક્ષે કોર્ટને હુકમમાં આ મુદ્દે કોઈ ચોક્કસ કડક નિર્દેશ નોંધ ન કરવાની વિનંતી પણ કરી હતી. હાઈકોર્ટે આ રજૂઆત સ્વીકારીને હાલ વધુ સુનાવણી આગામી શુક્રવાર સુધી મુલતવી રાખી છે. હવે સરકાર દ્વારા આ સમયગાળા દરમિયાન DCP નકુમ સહિત સમગ્ર ઘટનાને લઈને કયા પગલાં લેવામાં આવે છે તે મહત્વપૂર્ણ બનશે. ખાસ કરીને નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે અધિકારીની બદલી અંગે સરકાર શું નિર્ણય લે છે તેના પર પણ નજર રહેશે. આ મામલો માત્ર એક પોલીસ અધિકારી અથવા એક ઘટનાની તપાસ સુધી સીમિત નથી. પોલીસ કસ્ટડીમાં કે પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ સાથે કેવું વર્તન થવું જોઈએ, પોલીસની સત્તાની મર્યાદા શું છે અને આરોપીઓના કાયદાકીય તથા માનવ અધિકારોનું રક્ષણ કેવી રીતે થવું જોઈએ તેવા વ્યાપક પ્રશ્નો પણ આ કેસ સાથે જોડાયેલા છે.
હાઈકોર્ટનું વલણ એ સંદેશ આપે છે કે, ગુનાના આરોપો ગંભીર હોય તો પણ કાયદો હાથમાં લઈને આરોપીઓને જાહેરમાં સજા આપવાની પદ્ધતિ સ્વીકાર્ય બની શકે નહીં. હવે આગામી સુનાવણીમાં સરકાર તરફથી રજૂ થનારા રિપોર્ટ અને લેવાયેલા વહીવટી પગલાં પર સમગ્ર મામલાની દિશા નિર્ભર રહેશે. ખાસ કરીને DCP નકુમની બદલી, તપાસની સ્વતંત્રતા અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામેની કાર્યવાહી અંગે સરકાર શું નિર્ણય લે છે તે આગામી તબક્કામાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો રહેશે.
