11 નિર્દોષ લોકોના મોત અને 4 માસૂમ બાળકોનો ભોગ! અમદાવાદ – રામોલ બ્લાસ્ટ કેસમાં કોર્ટે આરોપી મહિલાને આપ્યો મોટો ઝટકો!

Spread the love

અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટના કેસમાં 65 વર્ષીય આરોપી રમીલા ડોડિયાની કાયમી જામીન અરજી એડિશનલ સેશન્સ જજે ફગાવી દીધી છે. 11 નિર્દોષ લોકોના મોત અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી કોર્ટે જામીન આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે.

 

11 શ્રમિકોના મોત, જેમાં 4 બાળકો પણ સામેલ

 

રામોલ વિસ્તારમાં ખેતરમાં ચાલતી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલા વિસ્ફોટમાં 11 નિર્દોષ શ્રમિકોના મોત નિપજ્યા હતા, જેમાં 4 બાળકોનો પણ સમાવેશ થતો હતો.આ ઉપરાંત અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ ફેક્ટરી ફાયર સેફ્ટી કે પોલીસ વિભાગની કોઈ પણ સત્તાવાર મંજૂરી વગર ચલાવવામાં આવી રહી હતી.

 

આરોપી પક્ષ અને સરકારી વકીલની દલીલો

 

અમદાવાદ સેશન્સ કોર્ટમાં અરજદાર વતી દલીલ કરવામાં આવી હતી કે, ‘રમીલા ડોડિયા 65 વર્ષના વૃદ્ધ મહિલા છે અને આ બનાવમાં તે પણ ઈજાગ્રસ્ત થયા છે. તે ફેક્ટરીના માલિક કે ભાગીદાર નથી, પરંતુ મુખ્ય આરોપી મેહુલ ડોડિયાના માતા છે. મેહુલ લાયસન્સ ધરાવે છે અને તમામ સેફ્ટી સર્ટિફિકેટ ધરાવતો હોવાનો દાવો કરાયો હતો.’

 

સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું કે, ‘અરજદારનો પુત્ર મેહુલ અને અન્ય આરોપી સાદિકઅલી આર્થિક ફાયદા માટે ભાગીદારીમાં ગેરકાયદે ફેક્ટરી ચલાવતા હતા. ફેક્ટરીનું લાયસન્સ ચોથી માર્ચ 2026ના રોજ પૂર્ણ થઈ ગયું હોવા છતાં, રિન્યુ કરાવ્યા વગર જ ઉત્પાદન ચાલુ રખાયું હતું. વળી, અરજદાર સામે 2014માં પણ આ જ પ્રકારનો ગુનો નોંધાયેલો છે અને તે આ ફેક્ટરીના મુખ્ય સંચાલક છે.

 

કોર્ટે જામીન અરજી કેમ ફગાવી?

 

કેસની સુનાવણી બાદ કોર્ટે નોંધ્યું હતું કે, ‘પ્રથમ દ્રષ્ટિએ આ કેસ અરજદાર સામે જણાઈ આવે છે. ફેક્ટરી માટે જરૂરી લાયસન્સ કે સલામતીના સર્ટિફિકેટ ન હોવાની બાબત અને હાલ તપાસ હેઠળ હોવાથી જામીન આપી શકાય નહીં.’ ગુનાની ગંભીરતા અને 11 નિર્દોષ શ્રમિકોના જીવ ગયા હોવાની બાબતને ધ્યાને રાખીને સેશન્સ કોર્ટે આરોપી રમીલા ડોડિયાની જામીન અરજી ના મંજૂર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *