નવા ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર તરીકે મીરાંત પરીખની નિમણૂક બાદ સૌપ્રથમ વખત 14 ઓગસ્ટના રોજ બોર્ડ બેઠક મળી હતી જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ઔડાના ડાયરેક્ટર કમલેશ પટેલ કોઈ કાર્યક્રમમાં જવાના હોવાથી ગેરહાજર રહ્યા હતા
અમદાવાદ
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ની ૩૧૧મી બોર્ડ બેઠકનું આયોજન તા. ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ કરવામાં આવી હતી.મનપાની ચૂંટણી બાદ ચાર મહિના સુધી ઔડાની બોર્ડ બેઠક મળી નહોતી અને નવા ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર તરીકે મીરાંત પરીખની નિમણૂક બાદ સૌપ્રથમ વખત 14 ઓગસ્ટના રોજ બોર્ડ બેઠક મળી હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ અને ઔડાના ડાયરેક્ટર કોઈ કાર્યક્રમમાં જવાના હોવાથી ગેરહાજર રહ્યા હતા.
તાજેતરમાં ગ્લાસગો ખાતે વર્ષ ૨૦૩૦માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટેના યજમાન શહેર તરીકે અમદાવાદની વિધિવત જાહેરાત ને લઈ ઔડાની ૩૧૧મી બોર્ડ બેઠકમાં અમદાવાદ શહેરની આજુબાજુના વિસ્તારોના સર્વાંગી, સંકલિત અને આયોજનબદ્ધ વિકાસની મજલ ઝડપથી આગળ વધારવાની દિશામાં ૧૪ ટી.પી. સ્કીમો માટે સત્તામંડળને સંપ્રાપ્ત થતા રિઝર્વેશનના પ્લોટ તથા રસ્તા અન્વયે બોર્ડ દ્વારા પરામર્શ/અનુમોદન આપવામાં આવેલ છે. આ ટી.પી. સ્કીમોમાં ટી.પી. સ્કીમ નં. ૧૨૦ (ભુવાલડી-કણભા-કઠવાડા-સીંગરવા), ટી.પી. સ્કીમ નં. ૪૩૦ (વિસલપુર), ટી.પી. સ્કીમ નં. ૦૧ (બારેજડી-નંદેજ-દેવડી), ટી.પી. સ્કીમ
નં. ૦૨ (નંદેજ-દેવડી), ટી.પી. સ્કીમ નં. ૦૬ (કલોલ-સઈજ-બોરીસણા), ટી.પી. સ્કીમ નં. ૧૩૦ (જેતલપુર), ટી.પી. સ્કીમ નં. ૪૨૦ (અસલાલી-લાંભા), ટી.પી. સ્કીમ નં. ૦૧ (દહેગામ), ટી.પી. સ્કીમ નં. ૯૧/એ (સનાથલ-તેલાવ), ટી.પી. સ્કીમ નં. ૪૧૩ (મુઠિયા-બિલાસિયા-એણાસણ), ટી.પી. સ્કીમ નં. ૪૪૦ (ચેખલા-ગોધાવી-ગરોડિયા-વાંસજડા-ઢેડિયા-ઉનાલી) + ૩૫૨ (વાંસજડા- ઢેડિયા), ટી.પી. સ્કીમ નં. ૧૫૧ (સાંતેજ-રકનપુર) અને ટી.પી. સ્કીમ નં. ૩૦૭ (સાંતેજ-રકનપુર), એમ કુલ ૧૪ સ્કીમોનો સમાવેશ થાય છે. સત્તામંડળના આ નિર્ણયથી ઉપરોક્ત ટી.પી. સ્કીમોની અંતિમ મંજૂરી માટેનો માર્ગ મોકળો થશે.ઔડા દ્વારા ૪ નવીન ટી.પી. સ્કીમની રચના કરવા હેતુ ઈન્ટેન્શન ડિકલેર કરવાની મંજૂરી મળી છે.સેટેલાઇટ વિસ્તારો ઝડપથી અને આયોજનબદ્ધ રીતે વિકસે તે માટે ઔડા દ્વારા ૪ નવી ટી.પી. સ્કીમ મોજે દહેગામ, ગોધાવી, કાણેટી, સાણંદ તથા નિધરાડ ગામોમાં વિકસિત કરવાનું આયોજન છે.નવી ટી.પી. સ્કીમોની રચનાથી ઉપરોક્ત વિસ્તારોના આશરે ૫૦૦ હેક્ટર વિસ્તારનું શહેરીકરણ થશે તથા ઝડપી અને આયોજનબદ્ધ વિકાસની દિશામાં પ્રગતિ થઈ શકશે. નવી સ્કીમોની રચનાથી નવા રસ્તાઓનું નિર્માણ કાર્ય પણ ઝડપથી હાથ ધરી શકાશે જેનાથી આ વિસ્તારોના નાગરિકોની શહેર સાથેની કનેક્ટિવિટી વધુ સુગમ બનશે.
વાણિજ્ય હેતુના ૧૫ પ્લોટોનું ઈ-ઓક્શન દ્વારા વેચાણ કરવાનો નિર્ણય
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા વિવિધ પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સના ખર્ચને પહોંચી વળવા તથા સત્તામંડળનું આર્થિક માળખું જળવાઈ રહે તે હેતુથી નગર રચના યોજનાઓમાં સંપ્રાપ્ત થતા પ્લોટો પૈકી અમુક પ્લોટ્સનો તબક્કાવાર નિકાલ કરવામાં આવતો હોય છે. તદનુસાર આજની બેઠકમાં ૬ જુદી જુદી ટી. પી. સ્કીમમાં સ્થિત ૧૫ પ્લોટ્સ નું વેચાણ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ ૧૫ પ્લોટ્સ ટી. પી. સ્કીમ નં. ૨૨ અને ૪૪ (ચાંદખેડા), ટી. પી. સ્કીમ નં. ૩ (બોપલ), ટી. પી. સ્કીમ નં. ૩૮ અને ૩૯ (થલતેજ) તથા ટી. પી. સ્કીમ નં. ૪૫ (ચાંદલોડિયા-ગોતા)માં સ્થિત છે. આ પ્લોટ્સના વેચાણની પ્રક્રિયા લેન્ડ ડિસ્પોઝલ પોલિસીની જોગવાઈ મુજબ અને સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ તળિયાની કિંમત પ્રમાણે ઈ-ઓક્શન દ્વારા હાથ ધરવામાં આવશે. આ પ્લોટોનું વેચાણ આ વિસ્તારોમાં વાણિજ્યિક પ્રવૃત્તિને વેગ આપશે.
નિર્ણયનગર-ઘાટલોડિયા તથા મેમનગરમાં ૭૦૮ ફ્લેટ ધરાવતી ૨ આવાસ સ્કીમોના રિડેવલપમેન્ટ માટે મંજૂરી
વર્ષ ૨૦૦૧ માં નિર્માણ કરેલ નિર્ણયનગર-ઘાટલોડિયા ટી. પી. સ્કીમ નં. ૦૨, ફાયનલ પ્લોટ નં. ૨૮૨ માં સ્થિત નંદનવન આવાસના ૬૨૪ ફ્લેટ તથા વર્ષ ૧૯૮૮ માં ફાળવાયેલ મેમનગર ટી. પી. સ્કીમ નં. ૦૧, ફાયનલ પ્લોટ નં. ૧૪૦ માં સ્થિત મહાત્મા ગાંધી વસાહતના ૮૪ ફ્લેટના રહીશો દ્વારા ઉપરોક્ત સ્કીમોનું રિડેવલપમેન્ટ કરવા માટેની વિનંતી અરજી ઔડામાં આપવામાં આવેલ. આ સંદર્ભમાં ઔડા દ્વારા આ બંને સ્કીમોમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની ચકાસણી કરવામાં આવેલ જેમાં આ સ્કીમોની પરિસ્થિતિ સ્ટ્રક્ચરલી વીક જણાઈ હતી. આજની બેઠકમાં આ બંને સ્કીમોના સરકારી ધારાધોરણ પ્રમાણે રિડેવલપમેન્ટ કરવા માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવેલ છે. આ નિર્ણયથી કુલ ૭૦૮ ફ્લેટના હજારો રહીશોને નવીનતમ સુરક્ષિત આવાસ મળવાનો માર્ગ મોકળો થયો છે.
ગુડ કન્સ્ટ્રકશન પ્રેક્ટિસ અંતર્ગત દંડની જોગવાઈ
સત્તામંડળ વિસ્તારમાં બાંધકામની સાઈટ પર વિવિધ તબક્કે અનુસરવાની “ગુડ કન્સ્ટ્રકશન પ્રેક્ટિસ” નું પાલન થતું ન હોય તેવી સાઈટ માટે અલગ-અલગ તબક્કે લેવાતા પગલાં/દંડની જોગવાઈ અમલમાં મૂકવા બેઠકમાં ઠરાવવામાં આવ્યું છે. બાંધકામની પ્રક્રિયા દરમિયાન યોગ્ય કાર્યપધ્ધતિનું અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવા અને અમદાવાદ શહેરને સ્વચ્છતા અને સુરક્ષામાં દેશમાં અગ્રેસર રાખવાની દિશામાં આ એક વધુ ઠોસ કદમ બની રહેશે.
