ભેળસેળિયાઓ સામે પ્રફુલ પાનસેરીયાનું તાંડવ, સુરત, ડીસા ખાતે શંકાસ્પદ ઘી લાખોનું જપ્ત, નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વોને સીધાઢોર કરવા મંત્રીની બાઝ નજર

Spread the love

 

*ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરત અને ડીસા ખાતે દરોડા પાડી રૂ.૩૫ લાખથી વધુનો શંકાસ્પદ ઘી તથા ભેળસેલ યુક્તતેલનો જથ્થો જપ્ત*

 

*સુરતના કામરેજમાં બહારથી લોક મારી અંદર અસલીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ: રૂ.૨૯.૭૫ લાખથી વધુનો જથ્થો સીઝ કરાયો*

 

*ડીસામાં બે પેઢીઓમાંથી શંકાસ્પદ ઘીના નમૂના લઈ રૂ.૬.૨૨ લાખથી વધુનો ૯૮૭ લીટર ઘીનો જથ્થો જપ્ત*

નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયાઓ સામે રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કડક કાર્યવાહી કરવા આપેલી સૂચનાના પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વધુ એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા સુરત અને બનાસકાંઠાના ડીસા ખાતે દરોડા પાડીને મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘી તેમજ ભેળસેળ માટે વપરાતા તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.”

 

સુરત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કામરેજ તાલુકાના ધોરણ પારડી સ્થિત હિન્દવા ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ‘કેવલ ફૂડ પ્રોડક્ટ’ નામની ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો. ફેક્ટરીનો માલિક કાયદેસરનું લાયસન્સ ધરાવતો ન હોવા છતાં, બહારથી તાળું મારી અંદર અસલીના નામે નકલી અને ભેળસેળયુક્ત ઘીનું ઉત્પાદન તથા પેકિંગ કરતો હોવાનું બહાર આવ્યું છે.

 

તંત્રની ટીમે સ્થળ પરથી ‘શ્રી અનમોલ રતન કાઉ ઘી’ ના વિવિધ પેકિંગમાં રહેલ રૂ.૨૬.૧૨ લાખની કિંમતનો ૫,૧૫૭ લીટર ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. સાથોસાથ ભેળસેળ માટે રાખવામાં આવેલ રૂ.૩.૬૩ લાખની કિંમતનું ૧,૪૮૫ કિગ્રા પામોલીન તેલ અને ૨૮૫ કિગ્રા સોયાબીન તેલ પણ જપ્ત કરી તમામના નમૂના લેવામાં આવ્યા હતા.

 

આ ઉપરાંત, પાલનપુર વર્તુળ ટીમે ડીસા ખાતે વિવિધ પેઢીઓમાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા કુલ ૯૮૭ લીટર ઘી (અંદાજિત કિંમત રૂ ૬,૨૨,૨૦૦/-) નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ તમામ કિસ્સાઓમાં ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ-૨૦૦૬’ હેઠળ કાયદેસરના સેમ્પલ લઈ લેબોરેટરી ચકાસણી અર્થે મોકલાયા છે અને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.

 

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમત કરનાર કોઈપણ કસૂરવાર કે વેપારી પેઢીને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. આ સાથે જ મંત્રીશ્રીએ ખાતરી આપી હતી કે, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે ચાલી રહેલી ઝુંબેશને આગામી દિવસોમાં વધુ કડક બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *