80માં સ્વાતંત્ર્ય દિવસના ઐતિહાસિક અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પર પીએમ મોદીએ તિરંગો ફરકાવ્યો અને ત્યારબાદ દેશને સંબોધન કર્યું. આ વખતે દેશની Gen-Z (યુવા પેઢી), વિદ્યાર્થીઓ અને શોધકર્તાઓ પર પૂરેપૂરું ફોકસ જોવા મળ્યું. પીએમ મોદીએ પોતાના ભાષણમાં સ્પષ્ટ કર્યું કે ભારતને ‘વિક્સિત ભારત @ 2047’ બનાવવાની ચાવી દેશના યુવાઓ અને વિદ્યાર્થીઓના હાથમાં છે.શિક્ષણ, રિસર્ચ, ડિજિટલ કનેક્ટિવિટીથી લઈને વૈશ્વિક સ્તરે તકો સુધી પીએમ મોદીએ લાલ કિલ્લાથી યુવાઓ માટે મોટા વિઝનની રૂપરેખા જણાવી. લાલ કિલ્લાની પ્રાચીરથી Gen-Z અને વિદ્યાર્થીઓને મળેલી 5 મોટી ભેટ કઈ છે તે જાણો.
ફ્રી કોચિંગ નેટવર્ક અને ડિજિટલ લર્નિંગની ભેટ
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ અને ગરીબ પરિવારના યુવાઓ માટે પીએમ મોદીએ એક ઐતિહાસિક જાહેરાત કરી. પીએમ મોદીએ કહ્યું કે, અમે દેશમાં ફ્રી કોચિંગ આપવાનું એક મોટું નેટવર્ક ઊભું કરીશું. અમારો લક્ષ્યાંક ગરીબથી ગરીબ સુધી સારું શિક્ષણ પહોંચાડવાનો છે. યુવાઓ માટે વિવિધ પરીક્ષાઓનું ફ્રી ઓનલાઈન કોચિંગ અને ડિજિટલ તૈયારીની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે.
શું પડશે અસર?
હવે દેશના નાના શહેરો અને ગામડાઓના હોશિયાર વિદ્યાર્થીઓએ મોંઘી કોચિંગ ફીના કારણે પીછેહટ થવું પડશે નહીં. સરકાર એક એવું ડિજિટલ અને ઓન ગ્રાઉન્ડ નેટવર્ક તૈયાર કરી રહી છે જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે ટોપ ફેકલ્ટીઝ અને સ્ટડી મટિરિયલ મફત ઉપલબ્ધ કરાવશે.
રિસર્ચ અને ઈનોવેશન માટે 1 લાખ કરોડનું ફંડ
ભારતને ફક્ત ટેક્નોલોજીનો વપરાશકાર બનાવવાની જગ્યાએ ગ્લોબલ ઈનોવેશન હબ બનાવવા માટે પીએમ મોદીએ રિસર્ચ અને R&D અંગે મોટું વિઝન રજૂ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, અમે યુવાઓને રિસર્ચની નવી તકો આપી છે. ઈનોવેશન માટે એક લાખ કરોડનું ફંડ બનાવવામાં આવ્યું છે. આપણા પ્રાઈવેટ સ્ટાર્ટઅપ્સમાં 28 વર્ષની સરેરાશ ઉંમરના યુવાઓએ પોતાના ટ્રાયલ સેટેલાઈટ લોન્ચ કરીને કમાલ કરી છે. દેશમાં આજે 2.5 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ કામ કરે છે.
ભારતમાં જ મળશે ગ્લોબલ ડિગ્રી
હવે વિદેશ જઈને અભ્યાસનું સપનું જોતા Gen Z માટે આ મોટા સમાચાર છે. પીએમ મોદીએ જણાવ્યું કે દેશની એજ્યુકેશન સિસ્ટમનું માન હવે સમગ્ર દુનિયામાં વધી રહ્યું છે. પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી કહ્યું કે દુનિયાની જાણીતી અને ટોચની વિદેશી યુનિવર્સિટીઓ પણ હવે ભારત આવી રહી છે. તેની અસર એ થશે કે ભારતીય વિદ્યાર્થીઓને હવે વૈશ્વિક સ્તરનું શિક્ષણ, રિસર્ચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્લોબલ એક્સપોઝર મેળવવા માટે વિદેશ જઈને લાખો કરોડો ખર્ચ કરવા પડશે નહીં અને તેઓ ભારતમાં રહીને જ ગ્લોબલ ડિગ્રી મેળવી શકશે.
650 નવી યુનિવર્સિટીઓ અને મેડિકલ સીટોમાં વધારો
દેશની અંદર ઉચ્ચ શિક્ષણ, અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં છેલ્લા એક દાયકામાં આવેલા ક્રાંતિકારી ફેરફારોનો આંકડો પણ પીએમ મોદીએ શેર કર્યો. પીએમ મોદીએ કહ્યું કે 10-12 વર્ષમાં દેશની અંદર 650 નવી યુનિવર્સિટીઓ ખુલી છે. દેશમાં મેડિકલની સીટો વધારીને લગભગ 850 થઈ ચૂકી છે. જ્યારે 2014 પહેલા આ આંકડો ફક્ત 400ની આસપાસ હતો.
આ ઉપરાંત પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે 2014 બાદ દેશમાં યુવાઓમાં કૌશલ (સ્કિલ ડેવલપમેન્ટ) નિખારવા માટે વિશેષ નીતિઓ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે 35 વર્ષના લાંબા ગાળા બાદ લાગૂ કરાયેલી નવી શિક્ષણ નીતિએ રટવાની પરંપરાને ખતમ કરી વ્યવહારિક જ્ઞાન પર ભાર મૂક્યો છે. આ સાથે જ ભારતમાં ઉપલબ્ધ દુનિયાનું સૌથી સસ્તું ઈન્ટરનેટ ડેટા આજે Gen Z ને ઘરે બેઠા નવી સ્કિલ્સ શીખવા, સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા અને ડિજિટલ ઈકોનોમી સાથે જોડાવવાની તક આપે છે.
