ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન ફૂલીફાલી
રહેલી જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા પોલીસ
વડાની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એક્શન
મોડમાં આવી છે. એલસીબીના પીઆઈ ડી. બી.
વાળાની ટીમે બાતમીના આધારે પોર ગામની સીમમાં આવેલ એક ખેતરની ઓરડીમાં અચાનક દરોડો પાડીને જુગાર રમતા 21 શખ્સોને રૂ. 4.40 લાખની રોકડ સહિત કુલ રૂ. 5.64 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ફરાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેતરમાં ઓરડી ભાડે રાખી જુગાર રમાડાતો હતો બાતમી મળી હતી કે, પોર ગામની સીમમાં આવેલા નરેશભાઈ અંબાલાલ પ્રજાપતિના ખેતરની ઓરડી ભાડે રાખીને બહારથી માણસો ભેગા કરી જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે વિસ્તારને કોર્ડન કરીને દરોડો પાડતાં ઘટનાસ્થળેથી અડાલજ, નવા-જૂના વાડજ, મોટેરા, રાણીપ અને અમીયાપુરના રહેવાસી કુલ 21 જુગારીઓ ઝડપાઈ ગયા હતા. દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 4.40 લાખ રોકડા અને રૂ. 1.24 લાખની કિંમતના 16 મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા, જ્યારે સ્થળ પર ગેરહાજર રહેલ વિજય બળદેવભાઈ ઠાકોર (રહે. પોર) ને વોન્ટેડ જાહેર કરાયો છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવી પોલીસ માટે પડકારજનક
ઉલ્લેખનીય છે કે, દર શ્રાવણ માસમાં ગાંધીનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શ્રાવણિયા જુગારની પ્રવૃત્તિઓ વકરતી હોય છે, જેને ડામવા માટે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ખાસ કરીને કલોલ અને સાંતેજ પોલીસ મથકની હદમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવી એ પોલીસ તંત્ર માટે દર વર્ષે એક મોટો પડકાર બની રહે છે.
