
• કરોડો રૂપિયાની ચોરી પછી ઇડી – સીબીઆઈએ કેટલા કેસો કર્યા? કરોડો રૂપિયા ક્યાં વપરાયા? આ સવાલો રાજ્ય સુરક્ષા માટે પણ ચિંતાજનક: કરચોરીમાં પકડાયેલા લોકો પર કડક પગલાભરી ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે
અમદાવાદ
અણઘડ જીએસટીની અમલવારી અને ઉદ્યોગનીતિની યોગ્ય અમલવારીને કારણે રાજ્યની તિજોરીને લગતા કરોડોના ચુનાની આંકડા સાથે પોલખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે ઇવેન્ટ મેનેજમેન્ટ અને વાઇબ્રન્ટના તાયફાઓ વચ્ચે છેલ્લા ત્રણ જ વર્ષમાં રાજ્યની તિજોરીને જીએસટી ચોરીના નામે અધધધ ૧૮,૪૯૧ કરોડ રૂપિયાનો ધુંબો વાગ્યો છે. આ કોઈ સામાન્ય કરચોરી નથી, આ સીધી રીતે પ્રજાના પરસેવાની કમાણી પર પડેલો સત્તાવાર લુંટ છે. વર્ષ ૨૦૨૪-૨૫ થી વર્ષ ૨૦૨૫-૨૬ એક જ વર્ષનામાં ટેક્સ ચોરીના કેસ ૩,૨૮૧ થી કૂદીને સીધા ૧૨,૫૧૧ થઈ જાય અને રકમ ૩,૩૧૦ કરોડથી ઉછળીને ૧૨,૬૩૨ કરોડ પહોંચી જાય, આને કોઈ ‘આકસ્મિક ભૂલ’ ન કહેવાય. આ સંયોગ છે કે પ્રયોગ છે? આટલી મોટી રકમ ઉડી ગઈ અને સિસ્ટમમાં કોઈને ગંધ સુદ્ધાં ન આવી? કે પછી ઉપરથી નીચે સુધી હપ્તા પહોંચતા હતા? રાજ્યની તિજોરીને જીએસટી ટેક્ષ ચોરીના કારણે અધધધ ૧૮,૪૯૧ કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. આ કોઈ નાની-સૂની રકમ નથી, આ રકમમાંથી અનેક શાળાઓ, હોસ્પિટલો અને માળખાકીય સુવિધાઓ ઊભી થઈ શકી હોત. પરંતુ સૌથી વધુ ચિંતાનો વિષય એ છે કે આ ચોરી કોઈ સ્થિર ગતિએ નથી વધી રહી, પરંતુ ભયજનક ઝડપે વકરી રહી છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ૧,૭૯૬ કેસો જેમાં રૂ ૨,૫૪૯ કરોડ, વર્ષ ૨૦૨૪-૨૫માં ૩,૨૮૧ કેસોમાં રૂ ૩,૩૧૦ કરોડ, વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૨,૫૧૧ કેસોમાં રૂ.૧૨,૬૩૨ કરોડની જીએસટી કર ચોરી થઇ છે. ત્રણ વર્ષમાં ૧૮,૪૯૧ કરોડની ટેક્ષ ચોરી, ૧૭,૫૮૮ કેસ અને ૧૧,૧૫૦ એકમો બંધ – આંકડા સવાલ ઊભા કરે છે કે આ ઊંઘતું તંત્ર કે હિસ્સેદાર સરકાર? કરોડો રૂપિયાની ચોરી પછી ઇડી – સીબીઆઈએ કેટલા કેસો કર્યા? કરોડો રૂપિયા ક્યાં વપરાયા? આ સવાલો રાજ્ય સુરક્ષા માટે પણ ચિંતાજનક છે.
ઉદ્યોગોના મરશિયા અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’નો ફારસ એક તરફ તિજોરી લૂંટાઈ રહી છે અને બીજી તરફ ગુજરાતની કરોડરજ્જુ સમાન લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગના ૧૧,૧૫૦ યુનિટ બંધ થઈ ગયા છે. આ માત્ર આંકડો નથી, એ લાખો પરિવારોની છીનવાયેલી રોજીરોટી અને યુવાનોની બેરોજગારીનો મરશિયો છે.સરકારી બાબુઓની એરકન્ડિશન્ડ ઓફિસોમાં બનતી ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ની વાહિયાત નીતિઓએ જમીન પર વેપારીઓનો કચ્ચરઘાણ વાળી નાખ્યો છે. ગૂંચવણભરી જીએસટી સિસ્ટમ, વેબ-પોર્ટલના ધાંધિયા અને રોજ બદલાતા તઘલખી ફરમાનોએ નાના વેપારીઓને મુશ્કેલીમાં મુક્યા છે. રાજ્યમાં મોટાપાયે ટેક્ષ ચોરીને કારણે અર્થતંત્ર- સરકારી તિજોરીને નુકસાન અને છીનવાતી રોજગારી એમ બે મોટા નુકસાન થાય છે. જીએસટી વિભાગ આટલા મોટા પ્રમાણમાં ચોરી પકડી શકે છે, તો પછી આટલી મોટી ચોરી થવા દેવામાં આવી જ કેમ? શું આ તંત્રની ચેતવણી-વ્યવસ્થા (early warning system) નબળી છે, કે પછી નીતિ ઘડનારાઓ જમીની વાસ્તવિકતાથી દૂર છે? જીએસટી ચોરી તરફ નક્કર પગલાં લેવા નહીં આપે, તો આવતા વર્ષોમાં આ આંકડા વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. તિજોરીને પડેલો ચૂનો ભરવા કરતાં, એ ચૂનો કેમ પડ્યો – એ સવાલનો જવાબ શોધવો સરકાર માટે વધુ જરૂરી છે.
નાનો દુકાનદાર કે લઘુ ઉદ્યોગકાર સરકારી અવ્યવસ્થાના બોજ તળે દબાઈ રહ્યો છે ત્યારે સરકાર નાના વ્યપારીલક્ષી ઉદ્યોગનીતિ બનાવે, જીએસટી જટિલ પ્રક્રિયા, વારંવાર બદલાતા નિયમો અને પાલન (કમ્પ્લાયન્સ)ને સરળ બનાવે, કરચોરીમાં પકડાયેલા લોકો પર કડક પગલાભરી ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
