રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

Spread the love

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે વધુ ભયાનક વળાંક લઈ રહ્યું છે. રવિવારે (16 ઓગસ્ટ) યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક હવાઈ હુમલો કરી દીધો છે. આ હુમલામાં સેંકડો ડ્રોનનો મારો ચલાવવામાં આવ્યો હતો, જેમાં રશિયાની એક મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ છે. યુક્રેને લીધેલા આ અત્યાર સુધીના સૌથી મોટા બદલામાં રશિયામાં ઓછામાં ઓછા 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.રશિયન સંરક્ષણ મંત્રાલયે આપેલી માહિતી મુજબ, તેમણે રાતોરાત દેશભરમાં ત્રાટકેલા યુક્રેનના 822 જેટલા ડ્રોનને તોડી પાડ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુક્રેને પોડોલ્સ્ક વિસ્તારમાં આવેલી રશિયાની સૌથી મોટી ઓનલાઈન રિટેલર કંપની ‘વાઈલ્ડબેરી’ (Wildberries) ના વેરહાઉસને પણ નિશાન બનાવ્યું છે. હુમલા બાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. રોઇટર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, યુક્રેન હવે રશિયાના આર્થિક માળખાને તોડવાનો પૂરો પ્રયાસ કરી રહ્યું છે, કારણ કે તેમનું માનવું છે કે આ કંપનીઓ મોસ્કોની મિલિટરી કામગીરીનો મુખ્ય આધાર છે.

 

મોસ્કો અને બેલ્ગોરોડમાં જાનહાનિ

 

મોસ્કો પ્રદેશના ગવર્નર આન્દ્રે વોરોબ્યોવે જણાવ્યું કે યુદ્ધ શરૂ થયા પછીનો આ સૌથી મોટો ડ્રોન હુમલો હતો. આ હુમલામાં એક 83 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે, જ્યારે પોડોલ્સ્ક પ્રદેશમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ ઉપરાંત, દક્ષિણ રશિયાના બેલ્ગોરોડ શહેર પાસે એક બસ પર ડ્રોન ખાબકતા 1 વ્યક્તિનું મોત થયું છે. યુક્રેનનો દાવો છે કે તેણે રોસ્ટોવ પ્રદેશમાં મિસાઇલ માટે ઈંધણ બનાવતી ફેક્ટરીને પણ ઉડાવી દીધી છે.

 

રશિયાનો વળતો પ્રહાર: યુક્રેનના સ્ટીલ પ્લાન્ટ પર હુમલો

 

બીજી તરફ, રશિયા પણ ક્યાં ચૂપ બેસે તેમ છે! રશિયાએ પણ 15-16 ઓગસ્ટની રાત્રે યુક્રેન પર ભયંકર હવાઈ હુમલાઓ કર્યા. રશિયાએ યુક્રેનના એક સ્ટીલ પ્લાન્ટ પર હુમલો કર્યો જેમાં 2 લોકો માર્યા ગયા અને 14 લોકો ઘાયલ થયા હોવાનું યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે. આ હુમલાથી પ્લાન્ટની બ્લાસ્ટ ફર્નેસ અને વીજ ઉત્પાદન સુવિધાને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા આંશિક રીતે રોકી દેવી પડી છે.

 

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

 

કિવમાં મિસાઈલો ઝીંકાઈ, બધે જ તબાહીનો માહોલ

 

યુક્રેનની રાજધાની કિવ પણ રશિયાના નિશાના પર રહી. કિવના મેયર વિટાલી ક્લિત્સ્કોએ જણાવ્યું કે રવિવારે સવારે રશિયાએ મિસાઈલો ઝીંકતા રાજધાનીના ઓછામાં ઓછા બે જિલ્લાઓમાં ભીષણ આગ લાગી હતી. શહેરના વહીવટીતંત્રે જણાવ્યું કે આ ઘટનામાં 3 લોકો ઘાયલ થયા છે. કિવ ઓબ્લાસ્ટના ગવર્નર તૈમુર ટાકાચેન્કોના જણાવ્યા અનુસાર, આખા પ્રદેશમાં થયેલા ડ્રોન હુમલાઓમાં એક બાળક સહિત વધુ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલો મુજબ, રોમાનિયા બોર્ડર પર પણ એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે.

 

બંને દેશો આમનેસામને

 

હવે બંને દેશોએ એકબીજા સામે હુમલાઓ ખૂબ જ તેજ કરી દીધા છે. થોડા સમય પહેલા જ રશિયાએ રોમાનિયાની સરહદ પાસે ડેન્યુબ નદી પર આવેલા યુક્રેનના સૌથી મોટા અનાજ નિકાસ બંદર પર એટેક કર્યો હતો. જેના જવાબમાં યુક્રેને પણ ઓઈલ રિફાઈનરીઓ સહિતની રશિયન સુવિધાઓને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, બંને પક્ષોએ કાળા સમુદ્ર (Black Sea) માં પણ વેપારી જહાજો પર હુમલાઓ વધારી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *