Nitin Patel ની સોશિયલ મીડિયા પોસ્ટથી ભાજપમાં રાજકારણ ગરમાયુ, ‘મૂળ ભાજપી’ વિરુદ્ધ ‘આયાતી’ નેતાઓનો મુદ્દો ગરમાયો

Spread the love

ગુજરાતના નેતાઓને રાષ્ટ્રીય સ્તરે ભાજપ હાઇકમાન્ડ દ્વારા મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાંથી ત્રણ તો મૂળ ભાજપના જ નેતાઓ છે, જયારે એક રોહન ગુપ્તા કોંગ્રેસના નેતા એટલે કે આયાતી નેતા છે. અને આ જ પદાધિકારોને અભિનંદન પાઠવતી પોસ્ટ કરી જેમાં ત્રણ નેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી, પણ રોહન ગુપ્તાને તેમણે શુભેચ્છા પાઠવી નથી.ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતના ચાર નેતાઓને નવી જવાબદારી મળ્યા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની નવી ટીમમાં ગુજરાતના ચાર નેતાઓને સ્થાન મળ્યું છે. જોકે, નીતિન પટેલે આ ચાર પૈકી ત્રણ નેતાઓને જ જાહેરમાં શુભેચ્છા પાઠવતા તેમના પોસ્ટની રાજકીય રીતે અલગ-અલગ અર્થઘટનો થઈ રહ્યા છે.17 ઓગસ્ટે જાહેર થયેલી ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં વર્ષા દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ડો. હેમાંગ જોશીને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ, જ્યારે જગદીશ ઈશ્વરભાઈ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યના ચાર નેતાઓને રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વની જવાબદારી મળતા ગુજરાતનું સંગઠનાત્મક કદ વધ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

 

નીતિન પટેલે ત્રણ નેતાઓને પાઠવી શુભેચ્છા

 

નવી નિમણૂકો બાદ નીતિન પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરીને જગદીશ ઈશ્વરભાઈ પટેલ, વર્ષા દોશી અને ડો. હેમાંગ જોશીને અભિનંદન પાઠવ્યા હતા. જોકે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાનો પોસ્ટમાં ઉલ્લેખ ન થતાં રાજકીય ચર્ચા શરૂ થઈ છે.

 

‘મૂળ ભાજપી’ અને ‘આયાતી’નો મુદ્દો ચર્ચામાં

 

નીતિન પટેલના આ મૌનને લઈને ભાજપના આંતરિક વર્તુળોમાં અનેક અટકળો ચાલી રહી છે. પક્ષના વફાદાર અને લાંબા સમયથી સંગઠન સાથે જોડાયેલા નેતાઓની સરખામણીએ પક્ષપલટો કરીને આવેલા નેતાઓને મહત્વની જવાબદારી મળતી હોવાના મુદ્દે અસંતોષ હોવાની ચર્ચા છે.

 

જોકે, નીતિન પટેલે પોતાની પોસ્ટમાં રોહન ગુપ્તાનો ઉલ્લેખ કેમ કર્યો નથી તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી. તેથી તેમની પોસ્ટને ચોક્કસ રાજકીય સંદેશ તરીકે જોવી કે માત્ર વ્યક્તિગત શુભેચ્છા સુધી મર્યાદિત રાખવી તે અંગે અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું વહેલું ગણાશે. તેમ છતાં, ભાજપની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત બાદ ‘મૂળ ભાજપી’ વિરુદ્ધ ‘આયાતી’ નેતાઓની ચર્ચાને નીતિન પટેલની પોસ્ટે ચોક્કસપણે વેગ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *