આજના આધુનિક યુગમાં ખરાબ લાઈફસ્ટાઈલ, વધતું પ્રદૂષણ, અનિયમિત આહાર અને સ્ટ્રેસના કારણે નાની ઉંમરમાં પણ વાળ ખરવાની અને ટાલ પડી જવાની (Baldness) સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. પુરુષો હોય કે મહિલાઓ દરેક વ્યક્તિ ઘાટા અને સુંદર વાળ ઈચ્છે છે. આ સમસ્યાથી બચવા માટે લોકો જાતજાતના તેલ, મોંઘા હેર પ્રોડક્ટ્સ અને હેર ટ્રાન્સપ્લાન્ટ સુધીના ઉપાયો અજમાવે છે, પરંતુ મોટાભાગે ઈચ્છિત પરિણામ મળતું નથી.હવે તાઈવાનના વૈજ્ઞાનિકોએ એક નવી આશા જગાવી છે, જે જાણીને જેને વાળ વધારવાની કે ટાલની સમસ્યા હોય એ લોકો માટે આશાનું કિરણ છે.
નેશનલ તાઈવાન યુનિવર્સિટીના સંશોધકોનો દાવો છે કે, તેમણે એવી ટેક્નોલોજી વિકસાવી છે જેનાથી 20 દિવસમાં વાળ ઉગવાનું શરૂ થઈ શકે છે. સંશોધન ટીમે શોધ્યું કે, ત્વચાની નીચે રહેલા ફેટ સેલ્સ (ચરબીના કોષો) કેટલાક ખાસ ફેટી એસિડ છોડે છે જે સુષુપ્ત પડેલા હેર ફોલિકલ સ્ટેમ સેલ્સને સક્રિય કરી દે છે. તેમણે મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ જેવા કે ઓલેઈક એસિડ અને પાલમિટોલેઈક એસિડ ધરાવતું એક ટોપિકલ સીરમ બનાવ્યું છે. ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગોમાં સાત દિવસમાં સ્ટેમ સેલ્સ સક્રિય થયા, દસમા દિવસે વાળ દેખાવા લાગ્યા અને આશરે 20 દિવસમાં સારો એવો જથ્થો ઉગી આવ્યો હતો. આ સંશોધન ‘સેલ મેટાબોલિઝમ’ નામના પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થયું છે.ટીમનું નેતૃત્વ પ્રોફેસર સુંગ-જન લિને કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ત્વચામાં બળતરા અથવા ઈજા થવા પર ઘણીવાર વાળ વધુ ઉગતા દેખાય છે. આ જ ઓબ્ઝર્વેશનથી સંશોધનની શરૂઆત થઈ, જ્યારે ત્વચામાં હળવી બળતરા થાય છે ત્યારે ઈમ્યુન સેલ્સ ફેટ સેલ્સને સંકેત આપે છે અને તે ફેટી એસિડ રીલીઝ કરે છે. આ એસિડ હેર ફોલિકલ સ્ટેમ સેલ્સને એનર્જી આપે છે અને તેમને ગ્રોથ ફેઝ (વિકાસના તબક્કા)માં લાવી દે છે. વૈજ્ઞાનિકોએ જોયું કે, બળતરા પેદા કર્યા વિના પણ માત્ર આ ફેટી એસિડ લગાવીને એ જ અસર મેળવી શકાય છે. ઓલેઈક એસિડ અને પાલમિટોલેઈક એસિડ શરીરમાં કુદરતી રીતે મળી આવે છે અને ઘણા વનસ્પતિ તેલોમાં પણ હાજર હોય છે. તેથી તેમને સુરક્ષિત માનવામાં આવી રહ્યા છે. સંશોધકોએ સીરમનું પેટન્ટ પણ કરાવી લીધું છે. લેબમાં માનવ હેર ફોલિકલ્સ પર પણ સકારાત્મક પરિણામો મળ્યા છે. હવે સ્કૅલ્પ પર ડોઝ ટેસ્ટિંગ અને ક્લિનિકલ ટ્રાયલનું આયોજન છે. પ્રોફેસર લિને પોતે પોતાના પગ પર આ સીરમનું પરીક્ષણ કર્યું અને કેટલાક વાળ ઉગતા જોયા. જોકે આ એક નાનું એવું સેલ્ફ ટેસ્ટ હતું. નિષ્ણાતો સ્પષ્ટ કહી રહ્યા છે કે, હજી આ માનવ માથા પર મોટા પાયે સાબિત થયું નથી.
