ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકની ટીમે બાતમીના આધારે ગુપ્ત ઓપરેશન પાર પાડીને અત્યંત કિંમતી ગણાતી વ્હેલ માછલીની ઉલટી એટલે કે ‘એમ્બરગ્રીસ’ની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વાવોલ ખાતે રહેતા એક યુવકની અંદાજે રૂ. ૧ કરોડની કિંમતના એમ્બરગ્રીસ સાથે ધરપકડ કરી છે. આ જપ્ત કરાયેલા પદાર્થની ચોક્કસ ચકાસણી માટે એફ.એસ.એલ. (FSL)ની મદદ લેવામાં આવી છે.
થેલામાંથી મળ્યું એમ્બરગ્રીસ
ચિલોડા પીઆઈ એસ. જે. ચૌહાણ અને તેમની પેટ્રોલિંગ ટીમ દ્વારા વાવોલમાં રહેતા 30 વર્ષીય એજાદઅહમદ નિસારઅહમદ કુરેશી (મૂળ રહે. પાટણ) નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની તલાશી લેતાં થેલામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં સફેદ-ક્રીમ રંગના નાના-મોટા અનિયમિત આકારના ટુકડા મળી આવ્યા હતા. કડક પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું હતું કે આ કિંમતી એમ્બરગ્રીસ છે, જેને તે ગાંધીનગરમાં વેચવા માટે ગ્રાહકની શોધમાં નીકળ્યો હતો.
અન્ય શખ્સનું નામ સામે આવ્યું અને FSL તપાસ પકડાયેલા યુવક પાસે આ પદાર્થ સંબંધિત કોઈ જ આધારભૂત કાગળો કે ફોરેસ્ટ વિભાગની પરવાનગી નહોતી. પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ એમ્બરગ્રીસ તેને વાવોલના ગુડાના મકાનમાં રહેતા વનરાજસિંહ મહેન્દ્રસિંહ ચાવડા નામના ઈસમે વેચાણ અર્થે આપ્યું હતું. પદાર્થની ચોક્કસ ખરાઈ માટે FSL અધિકારીઓને પોલીસ મથકે બોલાવી ચકાસણી હાથ ધરવામાં આવી છે.
