‘સાહેબ અમે ચોરી કરવા આવ્યા’તા’ તસ્કરોએ પોલીસને મદદ માટે ફોન કરવો પડ્યો! ઉમરગામની અનોખી ઘટના

Spread the love

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બજારમાં એક અનોખો ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા બે તસ્કરો એવી પરિસ્થિતિમાં ફસાયા કે અંતે તેમને જાતે જ પોલીસને ફોન કરીને મદદ માંગવી પડી. સ્થાનિક લોકો બહાર એકઠા થઈ જતાં અને પકડાઈ જવાના ડરથી બંને તસ્કરોએ 112 નંબર પર ફોન કરી પોલીસને બોલાવી હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ, 19 ઓગસ્ટની સાંજે સંજાણ બજારમાં આવેલી બી.જે. જ્વેલર્સ દુકાન બંધ થયા બાદ મોડી રાત્રે બે અજાણ્યા તસ્કરો ત્યાં પહોંચ્યા હતા. તસ્કરોએ ઇલેક્ટ્રિક કટર વડે શટરનો નકુચો કાપીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો. જોકે, કટરનો અવાજ સાંભળીને સામે રહેતા એક સ્થાનિક જાગી ગયા અને તેમણે દુકાન માલિકના પરિચિતોને જાણ કરી હતી. થોડા જ સમયમાં દુકાન માલિક અને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બહાર લોકોનું ટોળું ભેગું થતાં બંને તસ્કરો દુકાનની અંદર જ ફસાઈ ગયા હતા.

 

પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી

 

પકડાઈ જવાના અને લોકોના ગુસ્સાનો ભય થતાં તસ્કરોએ આખરે પોતે જ પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હોવાનું સામે આવ્યું છે. નાઇટ પેટ્રોલિંગમાં રહેલી ઉમરગામ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને શટર ખોલીને બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ઇલેક્ટ્રિક કટર, અન્ય સાધનો, દાગીના અને રોકડ સહિત અંદાજે રૂ. 18,000નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જણાવાયું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *