શુંતમે ક્યારેય વિચાર્યું છે કે બેંકના અતિ આધુનિક કેશ ડિપોઝિટ મશીનને પણ કોઈ ગઠિયો છેતરી શકે? મહેસાણા જિલ્લાના વિજાપુરમાં એક એવો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. લેપટોપ અને કલર પ્રિન્ટરની મદદથી ઘરમાં જ છાપી દેવાઈ અસલી જેવી દેખાતી 500 રૂપિયાની નકલી ચલણી નોટો! દેવાના ચક્રવ્યૂહમાંથી બચવા માટે વિસનગરના યુવકોએ ઘડ્યો એવો ખતરનાક પ્લાન કે સાચી નોટોના બંડલમાં નકલી નોટો ઘુસાડી સીધી બેંકમાં પહોંચાડી દીધી.જોકે, ડિપોઝિટ મશીને આ ખેલ પકડી પાડ્યો અને વિજાપુર પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી ચારેય આરોપીઓને પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે
50 માંથી 37 હજાર અકાઉન્ટમાં જમા થયા, નકલી નોટો પકડાઈ ગઈમહેસાણાના વિજાપુર સ્થિત એચડીએફસી બેંકમાં એક ગ્રાહક પોતાની પત્નીના ખાતામાં કેશ ડિપોઝિટ મશીન મારફતે 50,000 રૂપિયા જમા કરાવવા પહોંચ્યો હતો. ગ્રાહકે 500ના દરની 100 નોટો મશીનમાં મૂકી, પરંતુ ખાતામાં માત્ર 37,000 રૂપિયા જ જમા થયા. બાકીના 13,000 રૂપિયા જમા ન થતાં તપાસ શરૂ કરાઈ, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો કે મશીને 26 નોટો નકલી હોવાના કારણે રિજેક્ટ કરી અટકાવી લીધી હતી. બેંક મેનેજર સંદિપભાઈ ભટ્ટે તાત્કાલિક વિજાપુર પોલીસ મથકે જાણ કરી ફરિયાદ કરતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું.
નાણાં ખૂટતા નકલી નોટો ઉમેરીપોલીસે કડીબદ્ધ તપાસ હાથ ધરી નાણાં આપનાર વ્યક્તિઓની પૂછપરછ કરતાં એક ચોંકાવનારી કાવતરાખોર ચેઈન સામે આવી. જેમાં વિસનગરના અવિ ભાખરીયા નામના યુવકે વ્યાજના ધંધા અને શેરબજારમાં લાખો રૂપિયાનું દેવું કરી નાખ્યું હતું. ઉઘરાણીથી બચવા માટે અવિના દાદાએ ઘર ગીરો મૂકી 30 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી. જેમાંથી 15 લાખ રૂપિયા રોકડા આવ્યા હતા જેમાંથી ચૂકવવાના 15,50,000 હતા અને તેના દાદા દાદીને હરિદ્રાર લઈ જવાના હતા પરંતુ લેણદારોને ચૂકવણી બાદ પૈસા ખૂટતા હોવાથી તેના મિત્ર જય ગોસ્વામી અને રાધે પટેલે ભેગા મળી એક ખતરનાક તરકીબ અજમાવી. તેમણે સાચી નોટોના 50,000ના બંડલ વચ્ચે 26 નકલી નોટો ઘુસાડી દીધી અને લેણદારને પધરાવી દીધી. 30,000ની નકલી નોટો માત્ર 7000 રૂપિયામાં વેચીપોલીસ તપાસમાં આ સમગ્ર કૌભાંડનો મુખ્ય માસ્ટરમાઇન્ડ વિસનગરના કાજીવાડાનો આદિલ કુંભાર હોવાનું બહાર આવ્યું. આદિલે પોતાના ઘરમાં જ લેપટોપ અને કલર પ્રિન્ટર વડે ઇન્ટરનેટ પરથી ફર્મો મેળવી 500 રૂપિયાની બનાવટી નોટો છાપી હતી. આદિલે 30,000ની નકલી નોટો માત્ર 7000 રૂપિયામાં જય ગોસ્વામીને વેચી હતી. જોકે, બેંકમાં નોટો પકડાઈ જતાં આરોપીઓ ગભરાઈને રાજસ્થાન ભાગી ગયા હતા અને ત્યાં બાકીની વધેલી નકલી નોટો સળગાવી નાખી હતી. વિજાપુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આદિલ કુંભાર, જય ગોસ્વામી, અવિ ભાખરીયા અને રાધે પટેલ સહિતના ચારેય આરોપીઓને દબોચી લઈને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
