ભાવનગર લઠ્ઠાકાંડ : મૃત્યુઆંક 11 પર પહોંચ્યો, જિગ્નેશ મેવાણી દર્દીઓને મળ્યા

Spread the love
ભાવનગરના લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી લોકોના મોતની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત થયા છે, જ્યારે 46 લોકોને અસર થતાં સારવાર હેઠળ છે. બીજી તરફ, આ મામલે 13 આરોપીની ધરપકડ કરીને 10 દિવસના રિમાન્ડ પર લેવાયા છે. બીજી તરફ, ડીજીપીએ ભાવનગર એલસીબીના પીઆઈ મયુરધ્વજ સરવૈયા ઉપરાંત પાંચ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ભાવનગરમાં વ્યાપક પ્રમાણમાં નકલી ઝેરી દારૂ વેચાયો હોવાનું જણાતા ખુદ પોલીસે બારકોડ ‘8901522000665’ નંબરની બોટલનો દારૂ ન પીવા અપીલ જારી કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતકોમાં કાર્તિક મકવાણા (તળાજા રોડ, ભાવનગર), ઉપેન્દ્રસિંહ ગોહિલ (ખરકડી, ઘોઘા તાલુકો), નરેન્દ્રસિંહ યાદવ (ઇન્દોર, મધ્યપ્રદેશ), કનકસિંહ ગોહિલ (ભાવનગર), ઘનશ્યામસિંહ જાડેજા (કાળિયાબીડ, ભાવનગર), જયેશ ભટ્ટી (કાળિયાબીડ, ભાવનગર), નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટર (મુરેના શહેર, મધ્યપ્રદેશ), અરવિંદ જાદવ (જાફરાબાદ), સુધીર મિસ્ત્રી (હાથબ)નો સમાવેશ થાય છે.
ઉપરાંત, 19 ઓગસ્ટની રાત્રે શહેરના ગાંધી કોલોની સામે ગિલ્બર્ટ એપાર્ટમેન્ટના બીજા માળેથી સોનગઢની સરકારી શાળાના શિક્ષક હિતેશ પરમારની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. ઘરના રસોડામાં રોયલ સ્ટેગની અડધી ભરેલી બોટલ પણ પોલીસે જપ્ત કરી છે. ઉપરાંત અન્ય એક મોત મામલે તપાસ ચાલી રહી છે. મૂળ ભાવનગરનો 35 વર્ષીય સંજયસિંહ સુરતમાં પરિવાર સાથે રહે છે. તે વતન ભાવનગરથી દારૂ પીને સુરત આવતાં જ બીમાર પડતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યાં તે ત્રણ દિવસથી બેભાન છે. જિલ્લામાં સ્થિતિ એવી વણસી છે કે બોટાદ અને અમરેલીથી 100 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં તૈનાત કરાયા હતા.
બીજી તરફ, મોડી મોડી જાગેલી એસએમસી, એલસીબી અને સ્થાનિક પોલીસે બુટલેગરોને ત્યાં સર્ચ ઓપરેશન કર્યું હતું અને 21 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી 13 આરોપીની ધરપકડ કરી હતી. આ સાથે જ એસએમસીએ મુખ્ય સૂત્રધાર રઈસને ઇન્દોરથી ઝડપી પાડ્યો છે. આરોપીને આજે કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. જ્યારે ભાવનગરના વકીલોએ આરોપીઓનો કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે.
દરમિયાન, રાજ્યના પોલીસ વડાએ ભાવનગર એલસીબીના પીઆઈ મયુરધ્વજ સરવૈયાને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે ભાવનગર રેન્જ આઈજીએ વરતેજ પોલીસ મથકના પીઆઈ એ.બી. પઢેરીયાને સસ્પેન્ડ કર્યા છે. ગઈ કાલે રાત્રે વરતેજ પોલીસ મથકના ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા હતા.
આ મામલે પોલીસની તપાસમાં ખૂલ્યુ હતું કે, દારૂ બનાવવા માટે ખાસ ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરને બોલાવાયો હતો. જેણે સારસ, ગણેશ અને અમન સાથે મળી ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો હતો. ઝેરી દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવે પણ પોતે બનાવેલા દારૂનું સેવન કર્યું હતું. બીજા જ દિવસે તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી મયુરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આ બનાવ ઇથેનોલ અને મિથેનોલના મિશ્રણથી સર્જાયો હોવાનું જણાયું છે. વરતેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નોંધાયેલા અકસ્માત મોતના ગુનામાં ભોગ બનનારના એફએસએલ અને હોસ્પિટલના સેમ્પલોની તપાસ કરતાં તેમાં મિથેનોલની હાજરી પ્રસ્થાપિત થઈ છે.
એસએમસીની ટીમે મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી આ કેસના મુખ્ય આરોપી રઈસને ડિટેન કર્યો છે. આ આરોપી છેલ્લા દોઢ મહિનાથી ભાવનગર સહિત ગુજરાતના અલગ-અલગ સ્થળોએ રહીને લીકર બનાવતો હતો. એસએમસીએ સપ્લાય ચેઈન અને પુરાવા નાશ કરવાનો પ્રયાસ પકડ્યો છે. એજન્સીની ટીમો દ્વારા દારૂ બનાવવા માટે વપરાયેલ રૉ મટિરિયલ, પેકિંગ બૉક્સ, અનપેક્ડ લિકર, ફોર્જ્ડ સ્ટીકર્સ અને સીલ કરવાની સાધનસામગ્રી કબજે કરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓ
ગૌતમ સોલંકી (વરતેજ, ભાવનગર)
જતીન કાંબડ (પાળીયાદ, ભાવનગર)
સારસ સોલંકી (વરતેજ, ભાવનગર)
પારસ ઉર્ફે પપ્પુ ચુડાસમા (સોડવદરા, ભાવનગર)
મનદીપસિંહ ગોહિલ (ખરકડી, ઘોઘા, ભાવનગર)
ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો ગોહિલ (ખરકડી, ભાવનગર)
જયદીપ મકવાણા (કુંભારવાડા, ભાવનગર)
હર્ષ ઉર્ફે હસુ ચૌહાણ (ઘોઘા, ભાવનગર)
વિવેક અલગોતર (મફતનગર, ભાવનગર)
ભાર્ગવ ભટ્ટ (વરતેજ, ભાવનગર)
કેવલ ઉર્ફે સાંગો (સોલંકી આવાસ યોજના, ભાવનગર)
સુખદેવ સલાટ (આવાસ યોજના, ભાવનગર)
હાર્દિક ઉર્ફે ટીંચો બારૈયા (ખેડૂતવાસ, ભાવનગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *