નવી દિલ્હી, તા.9 દેશમાં સામાન્ય લોકોથી માંડીને વેપાર-ઉદ્યોગમાં પીડાદાયક કાયદાકીય ઝંઝટ હળવી કરવાની દિશામાં સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. લાયસન્સ રાજ ખતમ કરવાના ઈરાદે વિવિધ વિભાગોમાંથી મેળવાતા લાયસન્સની મુદત 15 વર્ષ સુધીની કરવા વિચારણા શરૂ કરી છે.
કેન્દ્ર સરકારનાં માહિતગાર સુત્રોએ કહ્યું કે પર્યાવરણ, ડ્રગ્સ, એકસપ્લોઝીવ બીઆઈએસ (બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાર્ન્ડડ) સહિતના વિભાગોના કાર્યક્ષેત્રમાં આવતા લાયસન્સ માટે સરળતા વિશે વિચારણા છે.હોસ્પીટાલીટી ક્ષેત્રનું ઉદાહરણ ટાંકવામાં આવે તો આ ક્ષેત્રનાં સાહસીકને કેન્દ્ર રાજય તથા સ્થાનીક તંત્ર પાસેથી કુલ મળીને 60 લાયસન્સ લેવા પડે છે અને વખતોવખત રીન્યુ કરાવવા પડે છે.
બીઆઈએસ લાયસન્સ 1 થી 5 વર્ષ સુધીની મુદતના જ હોય છે. લાયસન્સ પ્રથા જ બંધ કરાવવાનું વિચારાયું હતું પરંતુ સમીક્ષામાં તે યોગ્ય જણાયુ ન હતું અને તેના વિકલ્પમાં જુદા જુદા લાયસન્સ આજીવન આપવા વિચારણા થઈ હતી તેમાં પણ વાંધા-સુચનો રજુ થયા હતા. તેને ધ્યાને રાખીને હવે 10 કે 15 વર્ષના લાંબા ગાળાના લાયસન્સ આપવાનો વિકલ્પ પસંદ કરાયો છે. તેમાં સંબંધીત ચર્ચાની સહમતી પણ બની છે.
નીતિ આયોગનાં સભ્ય અને પૂર્વ કેબીનેટ સચીવ રાજીવ ગૌબાના નેતૃત્વ હેઠળની ઉચ્ચ સ્તરીય કમીટી સમગ્ર કવાયત કરી રહી છે. ઓગસ્ટ 2025 માં તેનું ગઠન કરાયું હતું. કેન્દ્ર સરકારનાં નિયમનો-નિયંત્રણો-લાયસન્સ, મંજુરી વગેરે પ્રક્રિયાની સમીક્ષા કરવા કહેવાયું હતું.
સુત્રોએ કહ્યું કે, મંત્રાલયો જ સમગ્ર કવાયતમાં સામેલ હતા એટલે નિયમો હળવા કરવાની ભલામણનો અમલ ચાલુ નાણાંકીય વર્ષમા જ થઈ જવાનું માનવામાં આવે છે. સુચિત સુધારા અંતર્ગત વેપાર-ઉદ્યોગોને દર વર્ષે નિયત ફી ભરવી પડશે પરંતુ લાયસન્સ રિન્યુઅલની ઝંઝટ ખત્મ થશે.લાયસન્સની મુદત 10 થી 15 વર્ષની કરાશે.
નીતિ આયોગના ગત જુનમાં જારી રીપોર્ટમાં એમ કહેવાયુ હતું કે ફૂડ એન્ડ ધ્રુયકીય એકમ માટે અંદાજીત 30 પ્રકારના લાયસન્સ લેવા પડે છે. આ સિવાય અન્ય અનેક ઉદ્યોગ ક્ષેત્રોમાં પર્યાવરણ-પ્રદુષણથી માંડીને સુરક્ષા બીઆઈએસ, સહીતના વિભાગોમાંથી લાયસન્સ ફરજીયાત હોય છે.
સરકારના સીનીયર અધિકારીએ કહ્યું કે, સીંગલ લાયસન્સની વાત નથી, નિયત લાયસન્સ તો લેવાના જ થશે.પરંતુ તેની મુદત વધારીને વારંવારની રીન્યુઅલની ઝંઝટ ખતમ કરવામાં આવશે. સરકારી નિયમનો યથાવત જ રહેશે.સમગ્ર કવાયત સરકારની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશના ભાગરૂપે છે. આ ક્ષેત્રમાં વિશ્વસ્તરે ભારતનું સ્થાન 2014 માં 142 મુ હતું તે 2020 માં 63 મુ થયુ હતું.