સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સમલાપુર ગામમાં 8 વર્ષના નિર્દોષ બાળકના અપહરણ અને કૃર હત્યાની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. રવિવાર રાતથી ગુમ થયેલા માસૂમ બાળકની શોધખોળ ચાલી રહી હતી. પરિવારજનોએ બાળક ગુમ થતાં પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ ઇડર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
શંકાસ્પદ યુવક સાવનજી ઠાકોરની પૂછપરછ
તપાસ દરમિયાન પોલીસની શંકા એક યુવક પર ગઈ હતી.
પોલીસે શંકાસ્પદ યુવક સાવનજી ઠાકોરને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો હતો. કડક પૂછપરછ દરમિયાન યુવકે બાળકનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે.
બાળકને ગામની સીમ વિસ્તારમાં આવેલા એક કૂવામાં ફેંકી દીધો
પ્રાથમિક વિગતો મુજબ 19 વર્ષના આરોપીએ 8 વર્ષના બાળકને ગામની સીમ વિસ્તારમાં આવેલા એક કૂવામાં ફેંકી દીધો હતો. પોલીસ આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળે પહોંચી હતી અને કૂવામાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી
માસૂમ બાળકની હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે હત્યા પાછળનું કારણ, અપહરણની ઘટના અને આરોપી સાથે બાળકનો કોઈ અગાઉનો સંબંધ હતો કે નહીં સહિતના વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
ગામમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ
આ ઘટના સામે આવતા બાળકના પરિવારજનો સહિત સમગ્ર સમલાપુર ગામમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ છે. 8 વર્ષની કુમળી વયના બાળક સાથે બનેલી આ ઘટનાને લઈને ગ્રામજનોએ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આરોપીની સઘન પુછપરછ
ઇડર પોલીસ હવે આરોપી સાવનજી ઠાકોરને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરશે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ માસૂમની હત્યા પાછળનું સાચું કારણ અને સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકશે.