મહેસાણા અને અમદાવાદ બંને આર્થિક રીતે સદ્ધર જિલ્લા છે. આ બંને જિલ્લાના દીકરા અને દીકરીઓ મા બાપને ન સાચવી શકે એટલા ગરીબ પણ નહીં હોય…માતા પિતા પોતાની ખુશીઓ, અરમાનો છોડીને દીકરા અને દીકરીઓને મોટા કરતા હોય છે. જેને 9 મહિના પોતાના પેટમાં સાચવીને ભીની ગોંદડીમાં સૂઈને તમને મોટા કર્યા છે એ માને તમે કઈ રીતે તરછોડી શકો…
ભલે મા બાપ ગમે તેવા હોય પણ એમના આખરી સમય એ ઘરડાઘર કે વૃદ્ધાશ્રમ તો ના હોવું જોઈએ..
થોડા દિવસો પહેલાં જ એક વીડિયો વાયરલ થયો હતો કે 3 દીકરીઓ હોવા છતાં પંજાબના એક વૃદ્ધાશ્રમમાં દાખલ પિતાના મોત બાદ દીકરીઓએ ઓનલાઈન અંતિમ વીધી પૂરી કરી હતી. એક પણ દીકરીને પિતાને કાંધ આપવાનો સમય નહોતો…. ગુજરાત જેવા આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યમાં અને તેમાં પણ ખાસ કરીને મહેસાણા અને અમદાવાદ જેવા વિકસિત જિલ્લાઓમાં માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાની ઘટનાઓ વધવી એ સમાજ અને સંસ્કારો માટે એક ગંભીર ચિંતાનો વિષય છે.
જેઓ વીડિયોમાં પણ પિતાની અંતિમ વિધી ક્યારે પૂરી થશે એની રાહ જોતા હતા. આખરે એમની અસ્થિઓ લેવા કોણ જશે એનો પણ વિવાદ હતો. એમને અંતિમ વીધીના 5100 રૂપિયા ચૂકવીને પિતાથી આઝાદી મેળવી લીધી હોય એવી શાંતિ અનુભવી હતી. એ જ પિતાએ આ 3 દીકરીઓને મોટી કરી પરણાવા પાછળ પોતાની જાત ઘસી નાખી હશે એ પિતાને અંતિમ કાંધ માટે દીકરીઓને સમય નહોતો.
આજે દીકરા અને દીકરીઓને લગ્ન બાદ માતા પિતા બોજ લાગવા લાગે છે. જેઓએ આખી જિંદગી ઢસરડા કરીને તમને મોટા કર્યા છે. જેમને પોતાની ખુશીઓ ત્યાગીને તમે કઈ રીતે ખુશ રહો એ સપનાં જોયાં છે. મારા દીકરા કે દીકરીને કોઈ પણ અગવડ ના પડે એનું ધ્યાન રાખવામાં એમને પોતાની સગવડો ભૂલી ગયા હશે. એ મા બાપ કઈ રીતે બોજ બની શકે.
દીકરો પરણે એટલે પત્ની ક્યારે જુદા રહેવા જઈશું એની વેતરણમાં લાગી જાય છે પણ એ ભૂલી જાય છે કે એના પણ માતા પિતા છે. મા બાપ ભૂલો કરી શકે તો એમને પણ માફ કરવાની તૈયારી રાખો કારણ કે તમારી ભૂલોને એમને જિંદગીભર માફ કરી છે.
માતા અને પિતા જ આપણા જીવનના પહેલા ગુરુ, માર્ગદર્શક અને સૌથી મોટા રક્ષક હોય છે, જે પોતાની ખુશીઓનો ત્યાગ કરીને આપણા ચહેરા પર સ્મિત લાવવા માટે હર હંમેશ તૈયાર રહે છે. બાળપણથી લઈને જીવનના દરેક પડાવ સુધી, તેમનો હાથ આપણી પીઠ પર એક મજબૂત આશરો બનીને રહે છે. તેમની નિસ્વાર્થ સેવા, આશીર્વાદ અને અખૂટ વાત્સલ્ય જ આપણા સાચા જીવનની મૂડી છે. સાચા અર્થમાં, માતા-પિતા પ્રત્યેનો આદર અને તેમની સેવા જ પરમાત્માની સાચી આરાધના હોવા છતાં લોકો આ કદરને ભૂલી જાય છે.
આણંદ જિલ્લાના લવાલમાં મોટાપાયે વૃદ્ધાશ્રમ ચલાવતા મહિપતસિંહ ચૌહાણનો થોડા દિવસ પહેલાં વિજાપુરમાં એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમના સ્ટેજ પરથી એમને ટકોર કરી હતી કે મારું લવાલ મહેસાણાથી ઘણું દૂર છે. આમ છતાં વૃદ્ધો એસટી બસોમાં રખડતા રખડતા ઠેકાણું શોધીને અમારે ત્યાં પહોંચી રહ્યાં છે. મારા વૃદ્ધશ્રમમાં મોટા ભાગે મહેસાણા અને અમદાવાદના વૃદ્ધો આવે છે. હું તો ના નથી કહેતો પણ મા બાપને વૃદ્ધાશ્રમ સુધી આવે એ શરમની બાબત છે. આ તો એક વીડિયોની વાત છે પણ રાજકોટમાં સૌથી મોટો વૃદ્ધાશ્રમ આવેલો છે. હવે ચેરીટી સંસ્થાઓ, ટ્રસ્ટો વૃદ્ધાશ્રમો ચલાવતા હોવાથી તમે એક પરફેક્ટ આંકડો મળવો અઘરો છે પણ ઓફિશિયલી ગુજરાતમાં 400થી વધારે વૃ્દ્ધાશ્રમો ચાલી રહ્યાં છે. જે સંતાનો આખરી સમયમા માતા પિતાનો ટેકો ન બની શકે એવા સંતાનો કરતાં સંતાનો ન હોવા બરાબર છે.
આજે એક દીકરી હોય તો પણ…
મેગા શહેરોમાં હવે દીકરાનો મોહ ઓછો જતો જાય છે. કપલ એક દીકરી હોય તો પણ બીજુ સંતાન લાવવાનો વિચાર કરતા નથી. એમ જ કહે છે કે અમારા માટે દીકરો હોય કે દીકરી બધુ સરખું છે એનું કારણ બદલાતી જીવનશૈલી છે. કારણ કે સંયુક્ત કુટુબની ભાવના હવે રહી નથી. દીકરો હોય તો પરણીને જુદો કે નોકરી કરતો હોય એ સ્થળે જતો રહે છે અને દીકરી સાસરે.. હવે આજના સમયમાં લોકો એમ વિચારી રહ્યાં છે કે દીકરો પરણે ત્યાં સુધી આપણો હોય છે તો દીકરી હોય કે દીકરો એમાં શું ફર્ક પડવાનો છે.
