તમે Gen Z અને સોશિયલ મીડિયાની તાકાતને અને સમયના આ બદલાવને નહીં ઓળખો, તો રેસમાં પાછળ રહી જશો. આગામી 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને 2029ની લોકસભાની ચૂંટણીનું યુદ્ધ સોશિયલ મીડિયા પર લડાવાનું છે. બિહાર સરકારે તો સોશિલ મીડિયા ઈન્ફ્લુએન્સર માટે સ્કીમ કાઢી છે કે 10 લાખ વ્યૂઝના એક લાખ રૂપિયા ચૂકવશે. ગુજરાતમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરના સરકાર એમ જ સેમિનારો ગોઠવીને વાહવાહી કરી એવોર્ડ નથી આપતી.
થોડા દિવસો પહેલાં અમદાવાદ AMCએ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા માટે 60થી 70 લાખના બજેટ સુધીની એક એજન્સી હાયર કરવાની તૈયારી કરી હોવાના અહેવાલો હતા. ગુજરાતના મંત્રીઓ રિલ મંત્રીઓ એમ જ નથી બન્યા. ડિજિટલ પાવરની આ જ વાસ્તવિકતા છે.
હર્ષ સંઘવી અને સ્મૃતિ ઈરાનીને વિશેષ જવાબદારી
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીની દિલ્હીમાં બેઠક યોજાઈ તો Gen Zને આકર્ષવા માટે શું કરવું જોઈએ એના પર વિશેષ બેઠક મળી હતી. જેમાં સ્મૃતિ ઈરાની અને ગુજરાતના હર્ષ સંઘવી જેવા યુવા નેતાઓને ભાજપે વિશેષ જવાબદારી સોંપી છે. ખુદ પીએમ નરેન્દ્ર મોદી આ બાબતે સક્રિય થયા છે. તમામ નેતાઓને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાની સૂચનાઓ છે. મુખ્યમંત્રી હોય કે મંત્રી જે પણ કામગીરી કરી રહ્યાં છે એની રિલ્સ બની રહી છે અને સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થઈ રહી છે. આગામી ચૂંટણી એ સોશિયલ મીડિયા પર લડાવાની છે. જેમનું સોશિયલ મીડિયા પર પ્રભુત્વ રહેશે એ આગળ રહેશે.
૭.૨ કરોડની જનસંખ્યા સુધી પહોંચવાનો સૌથી ટૂંકો રસ્તો હવે આ સ્માર્ટફોન સ્ક્રીન
૭.૨૩ કરોડથી વધુ કનેક્શન્સ: ગુજરાતમાં કુલ ટેલિકોમ કે મોબાઈલ સબ્સ્ક્રાઇબર્સની આ છે સંખ્યા
૧૦૦% થી વધુ ટેલી-ડેન્સિટી : ગુજરાતમાં ટેલી-ડેન્સિટી (દર ૧૦૦ વ્યક્તિએ ફોન કનેક્શન) નો આંકડો 100% ને પાર કરી ગયો છે. રાજ્યમાં લોકોની વસ્તી કરતા મોબાઈલ કનેક્શનની સંખ્યા વધારે
૧૦ માંથી ૮ ફોનમાં ઇન્ટરનેટ: TRAI અને રિપોર્ટ્સ અનુસાર, ગુજરાતમાં કુલ મોબાઈલ ધારકોમાંથી આશરે 10માંથી 8 ફોનમાં સક્રિય ઇન્ટરનેટ કનેક્ટિવિટી
૫.૪ કરોડ : રાજ્યમાં ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૫.૪ કરોડની આસપાસ છે
યુવા ઓડિયન્સ: ‘જેન-ઝી’ (Gen-Z) વર્ગ સ્માર્ટફોન અને શોર્ટ-વિડિયો પ્લેટફોર્મ્સ (જેવા કે Instagram Reels અને YouTube Shorts) પર વિતાવે છે.
પ્રચાર હવે ડિજિટલ તરફ શિફ્ટ: હવે સભાઓ કે રેલીઓ કરતાં સોશિયલ મીડિયા પર નાની રીલ કે મેસેજ સેકન્ડોમાં લાખો લોકો સુધી પહોંચે છે.
પક્ષોની નજર: ૭.૨ કરોડની જનસંખ્યા સુધી પહોંચવાનો સૌથી ટૂંકો રસ્તો હવે આ સ્માર્ટફોન સ્ક્રીન
કોંગ્રેસે ઉંઘમાંથી જાગવું પડશે
ગુજરાતની વાત કરીએ તો ભાજપ ટેકનોસેવી છે પણ એ ના ભૂલો કે આપ પણ એટલું જ ટેકનોસેવી છે. કોંગ્રેસના નેતાઓ હજુ સક્રિય થયા નથી. રાહુલ ગાંધી ભલે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે પણ ગુજરાત કોંગ્રેસ એ ભૂલી રહી છે કે તેમને લોકોની વચ્ચે રહેવું હશે તો સોશિયલ મીડિયામાં પ્રેઝન્સ વધારવું પડશે. તેઓ અપેક્ષા રાખે કે પ્રિન્ટથી લઈને ચેનલ અને ડિજિટલ મીડિયા તેમને સપોર્ટ કરશે તો એ હજુ સપનાંમાં જીવી રહ્યાં છે. એમને પોતે સોશિયલ મીડિયાના યુદ્ધમાં ઝંપલાવવું પડશે. જે નેતા આ યુદ્ધમાં પાછળ રહેશે એ ક્યારેય આગળ આવી નહીં શકે.
વિધાનસભા ચૂંટણીમાં પ્રયોગાત્મક મૂડમાં
ગુજરાતમાં ભાજપના નેતાઓ જેઓ 2029માં ટિકિટના દાવેદાર માને છે એમને અલગથી એજન્સીઓ હાયર કરી પોતાના સોશિયલ મીડિયાના પેજ એક વર્ષ પહેલાંથી એક્ટિવ કરવા લાગ્યા છે. ભાજપમાં તો ટિકિટ માટે સોશિયલ મીડિયામાં તમારી હાજરી એ સૌથી અગત્યની છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય સંગ્રામ માટે ભાજપ, કોંગ્રેસ અને આપ અત્યારથી જ પડદા પાછળ વ્યૂહરચના ઘડી રહ્યા છે. બદલાતા સમય અને ‘જેન-ઝી’ એટલે કે ૧૮ થી ૨૫ વર્ષના નવયુવાન મતદારોના પ્રભાવને જોતા રાજકીય પક્ષો આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રયોગાત્મક મૂડમાં છે. સૂત્રોના મતે, બેથી વધુ ટર્મથી સતત ચૂંટાતા અને ૫૫ વર્ષથી વધુ વય ધરાવતા ઘણા દિગ્ગજોને આ વખતે સ્વૈચ્છિક કે પક્ષના આદેશથી ‘ઘર ભેગા’ થવું પડી શકે છે.
ભાજપ અને કોંગ્રેસ સિનિયરોને ઘરે બેસાડી મહિલા-યુવા ચહેરાઓ પર ચૂંટણી દાવ ખેલવા તૈયારી, ટેક્નોસેવી-સોશિયલ મીડિયા પ્રોફેશનલને તક આપે તેવી સંભાવના છે. આપે તો ઓલરેડી 66 ઉમેદવારોના નામ જાહેર કરી એમને વિધાનસભા વિસ્તારમાં મહેનત કરવા માટે આદેશ કરી દીધો છે.
ગુજરાત અને ભારતમાં સોશિયલ મીડિયાની તાકાત
મોબાઈલ અને ડેટા સબસ્ક્રાઇબર્સ : દેશમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા ૧.૨૬ અબજથી વધુ છે અને કુલ ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સ ૧.૦૯ અબજથી વધારે
ભારત મોખરે : વિશ્વમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સૌથી મોટા યુઝર્સ ધરાવતો દેશ છે ભારત. દેશમાં અંદાજે ૩૭૫ મિલિયનથી વધુ ફેસબુક યૂઝર્સ અને ૪૦૦ મિલિયનથી વધુ ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ.
પ્લેટફોર્મ માર્કેટ શેર: સોશિયલ મીડિયા માર્કેટમાં ઇન્સ્ટાગ્રામનો આશરે ૪૫% અને ફેસબુકનો ૨૫% હિસ્સો
વિશ્વમાં મોખરે ભારત: ૪૯.૧ કરોડ યૂટ્યૂબ યુઝર્સ સાથે વિશ્વમાં સૌથી મોટું યૂટ્યૂબ માર્કેટ ભારત
વય જૂથ : યૂટ્યૂબ પર સૌથી મોટો વર્ગ ૧૮ થી ૩૪ વર્ષની વય જૂથનો
રોજિંદો વપરાશ : ભારતમાં સરેરાશ એક યૂટ્યૂબ યુઝર રોજ લગભગ ૪૮.૭ મિનિટ યૂટ્યૂબ પર વિતાવે છે.
કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાતમાં મોટા ફેરફારો
પાર્ટીઓના આંતરિક સર્વેમાં સામે આવ્યું છે કે આજનો યુવા મતદાર પરંપરાગત જાતિવાદી રાજકારણ કે જૂના ચહેરાઓથી કંટાળ્યો છે. યુવા મતદારોને હવે ડિજિટલ યુગ સાથે તાલ મિલાવી શકે તેવા શિક્ષિત ધારાસભ્યો જોઈએ છે. ભાજપ આગામી સમયમાં યુવા નેતા પર ભરોસો મૂકે તો ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોને ટિકિટ ન મળે તેવી પૂરી સંભાવના છે. આ સ્થિતિ ભાજપની નહીં પણ કોંગ્રેસની પણ છે. કોંગ્રેસ પણ આગામી સંગઠનમાં યુવા નેતાઓને તક આપવા માગે છે. કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાતમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. આ નિર્ણયને પગલે કોંગ્રેસના અમિત ચાવડા દિલ્હીનો ધક્કો ખાઈ ચૂક્યા છે. ભાજપમાંથી હર્ષ સંઘવી લઈને ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા વારંવાર દિલ્હી પહોંચી રહ્યાં છે.
યુવા નેતાઓની પ્રોફાઇલ…
હજુ ભલે ચૂંટણીને સમય છે પણ ભાજપ ચૂંટણીમોડમાં છે એમને પ્રભારીને બદલીને એ સંકેત આપી દીધો છે કે ચૂંટણીની તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે. આગામી સમયમાં જાતિગત રાજકારણને બદલે ડિજિટલ યુગ સાથે તાલ મિલાવી શકે તેવા શિક્ષિત યુવાઓની અત્યારથી શોધખોળ શરૂ કરી દેવાઈ છે. માત્ર સંગઠનના જૂના કાર્યકરો જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે લોકપ્રિય ઉપરાંત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, વકીલો, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, યુવા નેતાઓની પ્રોફાઇલ ચકાસવામાં આવી રહી છે. ટેક-સેવી અને યુવાનો સાથે સીધો સંવાદ સાધનારાને પ્રથમ તક મળશે. જો આ પેટર્ન લાગુ કરાશે તો કેટલાંક સિનિયરોને ઘેર બેસવાનો વારો આવશે.
જો ભાજપ-કોંગ્રેસ, આપ આ રણનીતિ પર મક્કમ રહેશે, તો આગામી વિધાનસભા ગૃહનો નજારો સાવ બદલાયેલો હશે. જેનું મુખ્ય કારણ એ Gen Z છે કારણ કે પાર્ટીઓ પણ સમજી ચૂકી છે આ ભવિષ્યના મતદારો છે. જો આ નારાજ થયા તો દાયકાઓ સુધી સત્તામાં નહીં આવી શકીએ. કારણ કે ભારતમાં આજની પેઢી બદલાઈ રહી છે અને યુવા મતદારો વધી રહ્યાં છે. જેઓ કોઈ પણ સરકારનું ભવિષ્ય બદલી શકે છે.