ભાવનગરમાં કાળજું કંપાવતો અકસ્માત: દીકરીનું હૈયાફાટ રૂદન ‘મારી મમ્મીને કોઈ બચાવો…’; બેફામ ST ડ્રાઇવરે માતા-પુત્રીને કચડ્યા

Spread the love

ભાવનગર એસટી બસ સ્ટેન્ડ બહાર આજે એક અત્યંત કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. સિહોર-ટાણા-વરલ રૂટની એસટી બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળતી વખતે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા પૂરપાટ ઝડપે દોડતી બસ સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી અને ભરૂચા ક્લબની દીવાલ સાથે અથડાઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં ફૂટપાથ પર વાહનની રાહ જોઈને બેસેલા માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

આ સમગ્ર દર્દનાક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

 

ડ્રાઈવરે કાબૂ ગુમાવતા જ બસ માતા-પુત્રી ઉપર ફરી વળી

મળતી માહિતી મુજબ, સણોસરાના રામધરી ગામના રહેવાસી લલીતાબેન ગુલાબસિંહ પરમાર અને તેમની 7 વર્ષની દીકરી સોનિયાબેન પરમાર ભાવનગર ખાતે વાસણની ખરીદી કરવા આવ્યા હતા. ખરીદી પતાવીને તેઓ ફૂટપાથ પર બેસીને ઘરે પરત ફરવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા, તે જ સમયે એસટી સ્ટેન્ડમાંથી બહાર નીકળેલી બસની બ્રેક ન વાગતાં કે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં બસ સીધી તેમના પર ફરી વળી હતી.

ડ્રાઈવરની ઘોર બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો

આ અકસ્માતમાં માતા-પુત્રીનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે ઠોડા-ઉંમરલાના મધુબેન લાલજીભાઈ વાઘેલા નામના અન્ય એક મહિલા ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરની ઘોર બેદરકારીના કારણે આ હોનારત સર્જાઈ હતી અને અકસ્માત સમયે માત્ર 5 સેકન્ડનો જ ફેર પડ્યો હતો.

 

દીકરી અને બહેનને અમે જાતે જ બહાર કાઢ્યા હતા

પ્રત્યક્ષદર્શી જયેશભાઈ ઝાબુંચા જણાવાયું હતું કે, સવારના સમયે તેઓ જ્યારે આણંદમાં ફૂલ લેવા જઈ રહ્યા હતા, ત્યારે તેમની નજર સામે જ આ અકસ્માત સર્જાયો હતો. ST બસના ડ્રાઈવરની સંપૂર્ણ બેદરકારીના કારણે આ અકસ્માત થયો હતો. બસ ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી. ફૂટપાથ પર રહેલા લોકો પર બસ ફરી વળી હતી. દીકરી અને બહેનને અમે જાતે જ બહાર કાઢ્યા હતા.

પોલીસ આરોપીને ઝડપી પોલીસ સ્ટેશન લઈ ગઈ

બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બસને હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. એસ.ટી. વિભાગના કર્મચારીઓ દ્વારા 27 વર્ષીય ફિક્સ પગારદાર ડ્રાઈવર દિનેશભાઈ ધીરાભાઈ જાંબુચાને પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવર બિન-વ્યસની હોવાનું સામે આવ્યું છે અને પોલીસે તેનું નિવેદન નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *