ગાંધીનગર સ્થિત GMERS સિવિલ હૉસ્પિટલના નેત્રરોગ વિભાગ દ્વારા વર્ષ 2025 દરમિયાન 1788 મેજર, 2163 માઇનર અને 691 ઇમરજન્સી મળીને કુલ 4652 આંખનાં ઓપરેશન કરાયાં હતાં.
આ વર્ષે જુલાઈ સુધીમાં જ વધુ 3057 ઓપરેશન કરાયાં છે, તેમાં 1310 મેજર, 1381 માઇનર અને 366 ઇમરજન્સીનો સમવાશે થાય છે.આ સિદ્ધિ વચ્ચે હૉસ્પિટલમાં ‘રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિ ક્ષતિ નિયંત્રણ કાર્યક્રમ’ હેઠળ ‘રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયા’ની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. અંધત્વ નિવારણમાં લોકભાગીદારી વધે અને લોકોમાં ચક્ષુદાન પ્રત્યે વ્યાપેલી ગેરસમજો, અંધશ્રદ્ધા તથા ભ્રમ દૂર થાય તે હેતુથી 25મીએ હૉસ્પિટલના પરિસરમાં ખાસ ચક્ષુદાન જાગૃતિ સેમિનાર અને ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો.
વિભાગની કામગીરી અને જાગૃતિ અભિયાનના ભાગરૂપે નેત્રરોગ વિભાગ દ્વારા નર્સિંગ સ્ટાફ, તાલીમાર્થી વિદ્યાર્થીઓ અને મેડિકલ ઇન્ટર્ન્સ માટે એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન પણ કરાયું હતું.શિબિરમાં નિષ્ણાતો દ્વારા ચક્ષુદાન મેળવવાની સમગ્ર ટેકનિકલ પદ્ધતિ ખૂબ જ સાદી અને સરળ ભાષામાં સમજાવવામાં આવી હતી.
જેમાં દાનમાં મળેલી આંખનો સ્વીકાર કેવી રીતે કરવો,આંખ દાન મેળવવાની પ્રક્રિયા, માનવ આંખના ટિશ્યુ (પેશીઓ)નું સંરક્ષણ અને સંગ્રહ કેવી રીતે કરવો તેમજ તેનો યોગ્ય ઉપયોગ કઈ રીતે થાય છે તે વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી, અને તેનો સુરક્ષિત સંગ્રહ અને સંરક્ષણ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓ માટે તેના ઉપયોગ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી.
આ સમગ્ર નેત્રદાન જાગૃતિ અભિયાન સિવિલ હોસ્પિટલ ગાંધીનગર, સક્ષમ સંસ્થા અને રાષ્ટ્રીય અંધત્વ તથા દૃષ્ટિ ક્ષતિ નિયંત્રણ કાર્યક્રમના સંયુક્ત ઉપક્રમે ચલાવવામાં આવી રહ્યું છે. લોકોમાં ચક્ષુદાન પ્રત્યે વ્યાપેલી ગેરસમજો, અંધશ્રદ્ધા તથા ભ્રમ દૂર થયા છે.