રક્ષાબંધન પર ભાઈ બન્યો વૈરી: ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી બહેનને મળવા બોલાવી બિછાવી જાળ, લવમેરેજ કરનાર બેનનું કર્યું અપહરણ

Spread the love

મહેસાણા જિલ્લાના વડનગરમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર ભાઈ-બહેનના પ્રેમને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમલગ્ન કરનાર બહેનને ભાઈએ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી રાખડી બાંધવાના બહાને બોલાવી હતી અને ત્યારબાદ ફિલ્મી ઢબે અર્ટિગા કારમાં તેનું બળજબરીપૂર્વક અપહરણ કરી લીધું હતું. આ મામલે પતિની ફરિયાદના આધારે વડનગર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, વડનગર તાલુકાના છાબલીયા સીમ વખારપુરા ગામે રહેતા અને ખેતીકામ કરતા સચીનકુમાર ભરતજી ઠાકોરે આશરે 7 મહિના અગાઉ વડનગરના મલેકપુર ગામની વૈદેહી પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ વૈદેહી તેના પતિ સાથે સાસરીમાં રહેતી હતી. જોકે, પરિવારની મરજી વિરુદ્ધ થયેલા આ લગ્નથી પિયરપક્ષ નારાજ હતો. આ વાતનો ખાળ રાખીને રક્ષાબંધનના દિવસે વૈદેહીના ભાઈ જેનિલ પટેલે સોશિયલ મીડિયા થકી મેસેજ મોકલીને રાખડી બાંધવા માટે વડનગર બોલાવી હતી.

 

પેટ્રોલ પંપ સામે વૈદેહીએ ભાઈને રાખડી બાંધી અને ત્યારબાદ ખેલાયો અસલી ખેલ

ભાઈનો મેસેજ આવતા બહેન વૈદેહી પોતાના પતિ સચીનકુમાર અને નાની ભત્રીજી સાથે એક્ટિવા લઈને વડનગર પહોંચી હતી. વડનગરના તોરણીયા વડ નજીક બહુચર પેટ્રોલ પંપ સામે વૈદેહીએ પોતાના ભાઈ જેનિલને રાખડી બાંધી હતી. જોકે, આ ભાઈનો પ્રેમ માત્ર એક બહાનું હતું. એક્ટિવા પર આવેલા ભાઈ જેનિલ પટેલે અગાઉથી જ અપહરણનું કાવતરું રચ્યું હતું. તેણે પોતાના સાગરીતોને કાર સાથે ત્યાં બોલાવી રાખ્યા હતા.

 

અચાનક ત્યાં એક અર્ટિગા કાર આવી પહોંચી હતી. કારમાં આવેલા અજાણ્યા ઈસમોએ એક્ટિવા પર બેઠેલા સચીન, વૈદેહી અને ભત્રીજીને કારના દરવાજાથી જોરદાર ધક્કો મારી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ, ભાઈ અને તેના સાગરીતોએ વૈદેહીને બળજબરીપૂર્વક અર્ટિગા કારમાં બેસાડી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

 

રક્ષાબંધનના પવિત્ર પર્વે મા અંબાના માઈ ભક્તનો અનોખો સેવાભાવ

 

પોલીસમાં ફરિયાદ દાખલ

પોતાની નજર સામે જ પત્નીનું અપહરણ થતાં સચીન ઠાકોરે તાત્કાલિક વડનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. યુવતીના પતિ સચીન કુમારની ફરિયાદના આધારે વડનગર પોલીસે ભાઈ જેનિલ પટેલ અને કારમાં આવેલા અન્ય ત્રણ અજાણ્યા ઈસમો સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રક્ષાબંધનના દિવસે જ બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *